ઋષિકેશ ખાતે રાહુલ ગાંધીના મોદી પર ચરખા મુદ્દે ચાબખા
ઋષિકેશ, તા.૧૬
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરને ગાંધીજીની તસવીરના સ્થાને મૂકી દેવાયા બાદ ઊભા થયેલા ઊહાપોહમાં હરિયાણાના આરોગ્યપ્રધાન અનિલ વીજે કહેલું કે, મોદી તો ગાંધીજી કરતાંય મોટી બ્રાન્ડ છે. આ અંગે કૉંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું છે કે, ગાંધી તો પોતાને ખાદી સાથે જોડતા હતા, જ્યારે આ (મોદી) તો ખર્ચાળ સ્યુટ પહેરનારા નેતા છે.
રાહુલ ગાંધીએ અત્રે રેલીને સંબોધતાં કહ્યું કે, વિરોધાભાસ જુઓ કે, મોદી તો રૂપિયા ૧૫ લાખનો સ્યુટ પહેરે છે અને ચરખો પણ કાંતે છે! ચરખો તો ગરીબોના ખૂન-પસીનાની બાબત છે. ચરખો તો ભારતના અર્થતંત્રની પ્રગતિ સાથે સંકળાયેલી બાબત છે અને તે રીતે જોતાં તેનો પ્રતીકાત્મક અર્થ થાય છે. હરિયાણાના પ્રધાન અનિલ વીજે મોદી ગાંધીજી કરતાંય મોટી બ્રાન્ડ છે, એમ કહ્યું તેના સંદર્ભે રાહુલ ગાંધીએ કહ્યું કે, એવો દિવસ પણ આવશે કે રામલીલા દરમિયાન વડાપ્રધાન મોદીનો ચહેરો ભગવાન રામનું પાત્ર ભજવનાર કલાકાર પહેરશે! આગામી વર્ષની રામલીલાનું બધું જ નરેન્દ્ર મોદીજીએ તૈયાર કરી રાખ્યું છે, અને તેમ છતાં તમને રામ નીરખવાના નહીં મળે! રામના બદલે તેમને મોદી જ મોદી દેખાશે. દેશભરમાં જ્યાં પણ રામનું પાત્ર ભજવનાર મોદીનું માસ્ક પહેરશે ત્યાં જ રામલીલા થઈ શકશે. મોદી પરના શાબ્દિક હુમલામાં રાહુલ ગાંધીએ વધુ વિરોધાભાસ દર્શાવતાં કહ્યું કે, નરેન્દ્ર મોદી એક તરફ ચરખો કાંતતા ફોટા પડાવે છે અને બીજી તરફ રાતદિવસ એક કરીને ઉદ્યોગપતિઓના લાભાર્થે મહેનત કરે છે! એક તરફ મોદી સતત યોગની વાતો કરે છે, લોકો તેમનું અનુકરણ કરે છે પણ પોતે પદ્માસન કરી શકતા નથી. તેઓ તો એવા મહાનુભાવ છે જેઓ પોતાની જ વાત સંભળાવવા આતુર હોય છે, તેમને બીજા બધાને ચૂપ કરી દેવાની ટેવ છે. તેમના ‘મન કી બાત’ કાર્યક્રમમાં તેઓ પોતાનો જ અવાજ સૌને સંભળાવવા માગે છે. મોદીજી તો બધાને કંટ્રોલમાં રાખવા માગે છે, તેઓ તો પોતાના એકેએક વિરોધી કે અસંતુષ્ટનો અંત લાવી દેવા માગે છે, જેથી માત્ર તેમના જ મન કી બાત સંભળાય, એમ રાહુલ ગાંધીએ કહ્યું.