Ahmedabad

NRC અને CAAના કાળા કાયદાના વિરોધમાં આજે બંધનું એલાન : સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
એનઆરસી અને સીએએના વિરોધમાં દેશભરમાં ભારે વિરોધનો વંટોળ ઉઠી રહ્યો છે અને અમદાવાદ સહિત ગુજરાતમાં પણ રોજે રોજ વિવિધ હિન્દુ-મુસ્લિમ સંગઠનો અને કર્મશીલો દ્વારા દેખાવો ધરણાં યોજાઈ રહ્યા છે. ત્યારે અલ્પસંખ્યક નાગરિક અધિકાર મંચ સહિતના સંગઠનો દ્વારા આવતીકાલ તા.૧૯-૧ર-ર૦૧૯ના રોજ અમદાવાદ બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં વડોદરા, ગોધરા, લુણાવાડા, શહેરા, ખેરાલુ સહિતના શહેરોના વેપારીઓએ ટેકો આપ્યો છે. જ્યારે ડાબેરી સંગઠન દ્વારા આ દિવસે ધરણાં અને વિરોધ પ્રદર્શન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ અંગે અલ્પસંખ્યક નાગરિક અધિકાર મંચના કન્વિનર એડવોકેટ શમશાદ પઠાણે જણાવ્યું છે કે, નાગરિક સંશોધન કાયદાના વિરોધમાં આવતીકાલે જે જે લોકોએ બંધને સમર્થન આપ્યું છે તેઓ પોતાના ધંધા રોજગાર સજ્જડ રીતે બંધ રાખી વિરોધ દર્શાવે છે. બંધ સ્વયંભૂ હોવો જોઈએ કોઈના પર બંધ રાખવા દબાણ કરવું નહીં કારણ કે આ બંધ કોઈ એક વ્યક્તિ કે સંસ્થા માટે નથી પરંતુ દેશની સમગ્ર પ્રજાને અસર કરતો પ્રશ્ન છે. આથી તમામ લોકો શાંતિપૂર્વક બંધમાં જોડાય તેવી અપીલ છે.
તેમણે જણાવ્યું છે કે, એનઆરસી અને સીએએના વિરોધમાં તમામ ધર્મના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને લાઠીઓ અને ગોળીઓ ખાઈ રહ્યા છે ત્યારે એક દિવસ તમામ લોકો પોતાના ધંધા રોજગાર બંધ રાખી આ કાળા કાયદાના વિરોધમાં પોતાનો વિરોધ પ્રગટ કરે. આ વિરોધ બંધારણના દાયરામાં રહીને કરવામાં આવે. કોઈ પણ હિંસાત્મક કાર્યવાહીમાં જોડાવવું નહીં કે રોડ રસ્તા, પબ્લિક ટ્રાન્સપોર્ટને બંધ કરવા નહીં. ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોને પણ બંધ કરવા દબાણ કરવામાં નહીં આવે.
દરમ્યાન બંધના અનુસંધાને લોકોમાં ફેલાતી ગેરસમજ દૂર કરવા ગતરાત્રે મુસ્લિમ ઓલમાઓ, ધારાસભ્યો સહિત રાજકીય અને સ્વૈચ્છિક સંગઠનોના પ્રતિનિધિઓની મીટિંગ મળી હતી. જેમાં નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીનો સખ્ત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, બંધારણનું રક્ષણ કરવાની તમામ લોકોની જવાબદારી છે. આ સમસ્યા હિંદુ-મુસલમાનની નહીં પરંતુ બંધારણ અને દેશની સુરક્ષાનો પ્રશ્ન છે. આથી બંધમાં જોડાવવા કોઈને દબાણ કરવામાં ન આવે. બંધ શાંતિપૂર્વક અને સ્વૈચ્છિક હોવું જોઈએ. સાથે સાથે કોઈપણ સરકારી કે ખાનગી મિલકતોને નુકસાન પહોંચાડવાની કોશિષ ન કરવી જોઈએ. બંધ દરમ્યાન કેટલાક અસામાજિક તત્ત્વો સક્રિય થઈ ઉશ્કેરણી કરવાનો પ્રયત્ન કરતા હોય છે. આથી આવા તત્ત્વોથી સાવધાન રહેવું જોઈએ. તેવી અપીલ કરવામાં આવી હતી. આ બેઠકમાં શાહી જુમ્મા મસ્જિદના મુફતી શબ્બીર અહમદ સિદ્દીકી, મૌલાના હબીબ એહમદ, મુફતી અબ્દુલ કૈય્યુમ મનસુરી, મૌલાના મહેબુબ આલમ સિદ્દીકી, મૌલાના ગુલામ સૈયદ અશરફી, મુફતી રીઝવાન તારાપુરી, મૌલાના સુલતાન, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા મ્યુનિસિપલ કાઉન્સિલર બદરૂદ્દીન શેખ, એડવોકેટ ઈકબાલ શેખ, ઈકરામ બેગ મિરઝા, લિયાકતભાઈ અન્સારી, જુનેદ શેખ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ધાર્મિક, સામાજિક, રાજકીય સંગઠનોના હોદ્દેદારો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.

બંધ દરમિયાન અફવાઓથી બચો તેમજ શાંતિ અને ભાઈચારો જાળવી રાખો

એનઆરસી અને સીએએના વિરોધમાં તા.૧૯-૧ર-૧૯ના રોજ મૌન રેલી કાઢવા શાહી જામા મસ્જિદના શાહી ઈમામ ઓ ખતીબ મુફતી શબ્બીર અહમદ સિદ્દીકી, મૌલાના હબીબ અહમદ, મૌલાના સુલતાનરઝા કાદરી, મુફતી અબ્દુલ કૈયુમ મનસુરી, મૌલાના રિઝવાન તારાપુરી, મૌલાના મહેબુરર્રહેમાન, ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, એડવોકેટ ઇકબાલ શેખ સહિત ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનોએ શહેર પોલીસ કમિશનરની રૂબરૂ મુલાકાત લીધી હતી. પરંતુ શહેર પોલીસ કમિશનરે ૧૯મીએ બંધનું એલાન હોવાથી ૧૯મી બાદ સાંજે ૪ વાગ્યા બાદ રેલી કાઢવાની પરમિશન આપવા ખાતરી આપી હતી. આ અંગે મુફતી શબ્બીર અહમદ સિદ્દીકી સહિતના આગેવાનોએ અપીલ કરી છે કે બંધ દરમિયાન કોઈપણ પ્રકારની અફવાઓથી બચવું જોઈએ. શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેનો ખાસ ખ્યાલ રાખો તેમજ આગામી કાર્યક્રમ માટે આવતીકાલે સાંજે આગેવાનો દ્વારા જાહેરાત કરવામાં આવશે.