NRC વિવાદ : સિલચર એરપોર્ટ પર નેતાઓની અટકાયત ‘ધક્કે ચડાવવા’નો વિરોધ કરવા TMC ‘કાળો દિવસ’ મનાવશે

(એજન્સી) કોલકાતા, તા. ૩
તૃણમુલ કોંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે જણાવ્યું હતું કે, ગુરૂવારે આસામના સિલચર એરપોર્ટ પર તેમના નેતાઓની અટકાયત અને ‘ધક્કે ચડાવવા’ વિરૂદ્ધ દેખાવો કરવા આગામી ચાર અને પાંચમી ઓગસ્ટે તૃણમુલ કોંગ્રેસ દ્વારા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ‘કાળો દિવસ’ મનાવવામાં આવશે. તૃણમુલ કોંગ્રેસના મહાસચિવ અને પશ્ચિમ બંગાળના શિક્ષણ મંત્રી પાર્થા ચેટરજીએ કહ્યું કે, શનિવારે અને રવિવારે રાજ્યના તમામ તાલુકા અને જિલ્લામાં ‘કાળો દિવસ’ મનાવવામાં આવશે. પાર્થા ચેટરજીએ પત્રકારોને જણાવ્યું કે, અમે આસામના સિલચર એરપોર્ટ પર લોકોના પ્રતિનિધિઓને ધક્કે ચડાવવા અને તેમની અટકાયત કરવાની ઘટનાની નિંદા કરીએ છીએ. સાંસદ હોવાને કારણે તેમને કોઇપણ સ્થળની મુલાકાત લેવાનો દરેક અધિકાર છે પણ બધા કાયદાનો ભંગ કરીને અમારા પ્રતિનિધિમંડળને અટકાવવામાં આવ્યું હતું. આ ઘણી શરમજનક બાબત છે. છ સાંસદો સાથેના ટીએમસી પ્રતિનિધિમંડળના આઠ સભ્યોને એવા સમયે રોકવામાં આવ્યા જ્યારે તેઓ સોમવારે ઉત્તરપૂર્વના રાજ્યમાં એનઆરસીનો અંતિમ ડ્રાફ્ટ જાહેર થયા બાદ સત્ય હકીકત ચકાસવા માટે આસામના ચાચર જિલ્લામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે, સિલચર એરપોર્ટ પર આખી રાત અટકાયતમાં રહ્યા બાદ શુક્રવારે સવારે તૃણમુલ કોંગ્રેસ પ્રતિનિધિમંડળના આઠમાંથી છ સભ્યો પરત ફર્યા હતા. અન્ય બે સાંસદો મમતાબાલા ઠાકુર અને અર્પિતા ઘોષ મોડેથી ગયા હતા. અટકાયતમાં રખાયેલાઓમાંથી એક રાજ્યસભાના સાંસદ સુખેન્દુ રોયે કહ્યું કે, અમે પરત ફરી રહ્યા છીએ. પોલીસે અમને બહાર જવા દીધા નહોતા.અમે થોડા સમય માટે જવા કહ્યું પણ તેઓએ ઇન્કાર કર્યો છે. એરપોર્ટ પર અમે ત્રણ રૂમમાં આખી રાત ગુજારી છે. રોય ઉપરાંત સાંસદો કાકોલી ઘોષ દાસ્તીદાર, રત્ના દે નાગ અને નદીમુલ હક, પશ્ચિમ બંગાળના મંત્રી ફિરહદ હકીમ અને ધારાસભ્ય મોહુઆ મોઇત્રા આ પ્રતિનિધિમંડળમાં સામેલ હતા. પ્રતિનિધિમંડળે નાગાંવ અને ગુવાહાટીની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળને ટીએમસીના સુપ્રીમો મમતા બેનરજીએ એનઆરસી પછી આસામની સ્થિતિ જોવા મોકલ્યા હતા. બપોર બાદ તેઓ એરપોર્ટ પર પહોંચતા જ તેમને રોકીને અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks