એસસી-એસટી અંગેનો ચુકાદો આપતી વખતે કટોકટીને ધ્યાનમાં રખાઈ હતી : ન્યાયમૂર્તિ ગોયેલ

(એજન્સી) નવી દિલ્હી, તા.૭
સુપ્રીમ કોર્ટના સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ એ.કે. ગોયલે તેમના વિદાય સમારંભમાં બોલતાં કહ્યું કે એસટી-એસસી એક્ટની સુનાવણી દરમિયાન તેમણે કટોકટી કાળમાં નાગરિકોના મૌખિક અધિકારોને કચડી નાંખવાનો મુદ્દો ધ્યાનમાં લઈ ચુકાદો આપ્યો હતો. કટોકટી દરમિયાન કરાયેલ ભૂલોને મગજમાં રાખી આ અંગે નિર્ણય આપ્યો હતો. ન્યાયમૂર્તિ ગોયલે એસટી-એસસી એક્ટ અંગેના ચુકાદાનો બચાવ કરતાં કહ્યું કે, આ કાનૂનમાં જોગવાઈ હતી કે વ્યક્તિને જામીન ન મળે. શું નિર્દોષ વ્યક્તિની ધરપકડ કરી શકાય ? જો આવું બને તો અદાલતનું કામ શું ? આ મુદ્દે ઉકેલા સવાલો પર બોલતા તેમણે કહ્યું કે, સામાન્ય રીતે ન્યાયમૂર્તિ તેમના નિર્ણય અંગે બોલતા નથી. પરંતુ હું બોલી શકું છું. તેમણે કહ્યું કે લોકો અદાલતમાં ન્યાય માટે આવે છે. આપણી ન્યાય વ્યવસ્થા દેશમાં ગૌરવશાળી છે. તેમણે પોતાના ચુકાદાનો બચાવ કર્યો હતો. એસસી-એસટી કાનૂનનો દુરઉપયોગ રોકવા આપોઆપ ધરપકડ થવી ન જોઈએ. ધરપકડ કરાતા પહેલાં તેની પ્રાથમિક તપાસ થવી જોઈએ. પછી જ પગલાં લેવા જોઈએ. આ ચુકાદાનો વિરોધ થયો હતો. વિપક્ષોએ સરકાર પર કાનૂનની સુરક્ષા અંગે ગંભીર નહીં હોવાનો આરોપ મૂક્યો હતો. કટોકટી દરમિયાન તંત્ર અને પોલીસને આબાદ અધિકાર મળ્યા હતા. જેમાં કોઈપણ તપાસ વગર વ્યક્તિને જેલમાં ધકેલી દેવાતો હતો. તેવા સંજોગોમાં નિર્દોષ લોકોના સ્વાતંત્રના અધિકારોની રક્ષા માટે કોર્ટ એકમાત્ર આશા બને છે. તેથી કટોકટીના દિવસોને યાદ કરી એસટી-એસસી કેસનો ચુકાદો મળ્યો હતો. જો કોર્ટ વ્યક્તિના મૂળભૂત અધિકારોની રક્ષા ન કરે તો શું કામની ? તેના કરતાં તેને સમેટી લેવી જોઈએ. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાએ કહ્યું કે ન્યાયમૂર્તિ ગોયેલ આદર્શો માટે ધૈર્યવાન છે. આ પ્રસંગે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ અને બાર એસોસિએશનના પ્રમુખ વિકાસસિંગ પણ હાજર હતા. ન્યાયમૂર્તિ ગોયલે કહ્યું હતું કે, જગન્નાથપુરી મંદિરમાં બીજા ધર્મના લોકોને પ્રવેશ માટે પણ વિચારવું જોઈએ. ન્યાયમૂર્તિ ગોયલે દહેજ મુદ્દે તાત્કાલિક ધરપકડ પર પણ રોક લગાડી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks