(એજન્સી) નવી દિલ્હી તા.૧
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ જીમી કાર્ટરે વિદાય લઇ રહેલા રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાને છેલ્લી ઘડીએ એક અપીલ કરી છે.તેમણે ધ ન્યૂયોર્ક ટાઇમ્સના એડિટોરીયલ પેજ પર એક લેખ લખીને પ્રમુખ બરાક ઓબામાને જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પ કાર્યભાર સંભાળે તે પહેલા પેલેસ્ટીન સ્ટેટને વિધિવત માન્યતા આપવા અપીલ કરી છે. હવે જ્યારે ટ્રમ્પ સત્તારૂઢ થાય તેની આડે આઠ સપ્તાહ છે ત્યારે જીમી કાર્ટરે વિદાય લેતા પ્રમુખ બરાક ઓબામાને એવો આગ્રહ કર્યો છે કે પેલેસ્ટીનીઓને એકપક્ષીય રીતે રાજ્યનો દરજ્જો અને માન્યતા આપીને ઇઝરાયેલી અને પેલેસ્ટીનીઓ વચ્ચે વાટાઘાટો પુનઃ શરૂ કરવામાં આવે.તેમણે જણાવ્યું છે કે મને ખાતરી છે કે અમેરિકા હજુ પણ રાષ્ટ્રપ્રમુખ બદલાય તે પહેલા ઇઝરાયેલ -પેલેસ્ટીનીઅન સંઘર્ષના ભાવિને આકાર આપી શકે છે પરંતુ હવે સમય ઘણો ઓછો છે. ૨૦ જાન્યુ.ના રોજ ઓબામાની મુદ્દત પૂરી થાય તે પહેલા આ એક સરળ પરંતુ મહત્વનું પગલંુ ઓબામા પ્રશાસને ભરવું જોઇએ.તેમણે જેમ ૧૩૭ દેશોએ કર્યુ છે તેમ પેલેસ્ટીન રાષ્ટ્રને અમેરિકન રાજદ્વારી માન્યતા આપવી જોઇએ તેમજ તેને સંયુક્ત રાષ્ટ્રસંઘનું સંપૂર્ણ સભ્યપદ હાંસલ કરવામાં મદદ કરવી જોઇએ.તેમણે વધુમાં જણાવ્યું હતંુ કે શાંતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા રદ થવાનો ખતરો છે.ઇઝરાયેલ વધુને વધુ વસાહતો ઊભી કરીને પેલેસ્ટીનીઓને હટાવી રહી છે અને પેલેસ્ટીનની જમીન પર પોતાનો કબજો વધુને વધુ લંબાવી રહી છે. કાર્ટરે એવંુ પણ લખ્યંુ હતંુ કે ઇઝરાયેલ અને પેલેસ્ટીન બંને માટે સુરક્ષાની ખાતરી અનિવાર્ય છે.જે લોકો પેલેસ્ટીનીઓ માટે ન્યાયની તરફેણ કરતા હોય તેમણે વ્હાઇટહાઉસના ઇમેઇલ પર પ્રમુખને પત્રો લખવા જોઇએ કે જેથી તેમને અત્યંત મહત્વનું પરંતુ કાનૂની પગલંુ ભરવા માટે પ્રોત્સાહન મળે અને અમેરિકાના પ્રમુખ એવી કાર્યવાહી કરે કે જેથી મધ્યપૂર્વમાં ભવિષ્યની શાંતિ સુનિશ્ચિત થાય.