અમદાવાદ, તા.૧૩
ભાજપ શાસિત ગાંધીનગરમાં કોબા સર્કલ પાસે એક સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ભારત અને જાપાનના રાષ્ટ્રીયધ્વજના ઉપર કમળના પ્રતિકની સાથે એક ભગવો ધ્વજ લહેરાતો હોય તેવો એક વીડિયો ઓબીસી, એસટી, એસસી એકતા મંચના અલ્પેશ ઠાકોરે મંગળવારે વાયરલ કર્યો હતો. સંગઠનના કો-કન્વેનર મુકેશ ભરવાડે મંગળવારે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો પોસ્ટ કર્યો હતો ભરવાડે કહ્યું કે, એમનું સંગઠન રાષ્ટ્રીયધ્વજના સંદર્ભે એફઆઈઆર નોંધાવવા શહેરની પોલીસને આવેદન આપશે. ગાંધીનગરમાં કોબા મંડળમાં આ પૂર્વમાં ભાજપના મુખ્યાલયમાં આ બન્યું છે. રાષ્ટ્રીય ધ્વજ ભાજપ પાર્ટીના ધ્વજ નીચે દેખાઈ રહ્યો છે. અમે રાષ્ટ્રીય ધ્વજના અપમાન બદલ પોલીસનો સંપર્ક કરીશું તેમ ભરવાડે કહ્યું હતું. ભરવાડે વધુ ભાર આપતા કહ્યું કે, એમણે કોઈ પણ પાર્ટી કે એના નેતાઓને દોષી નથી ઠેરાવ્યા, પરંતુ ગુનેગાર ઠરે તેને સજા થવી જોઈએ. સંગઠનના સંયોજક અલ્પેશ ઠાકોરે કહ્યું કે, પાર્ટી અને એમના લોકો જે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીયતાવાદનો ઉપદેશ આપી રહ્યા છે ત્યારે પહેલાં તેમને શીખવું જોઈએ કે, રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કેવી રીતે કરવું જોઈએ. દેશ એ પાર્ટી અને એના નેતાઓના મુકાબલે મોટો છેે. એમણે પાર્ટી ભક્તિથી બહાર આવવું જોઈએ. રાષ્ટ્રીય ધર્મ અને રાષ્ટ્રવાદને કેમ સમર્પીત થવું જોઈએ તે શીખવું જોઈએ અને તેમને રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કેમ કરવું તે તેમને ખબર હોવી જોઈએ તેમ ઠાકોરે જણાવ્યું હતું. એમને પોતાના દેશ અને તેના પ્રતિકોનું સન્માન કરવું જોઈએ અને ત્રિરંગાના રૂપમાં તે રાષ્ટ્રવાદનો સૌથી મોટું પ્રતિક છે. અમે રાષ્ટ્રધ્વજના અપમાનને સહન કરી શકીએ તેમ નથી. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, જ્યારે રાષ્ટ્રીયધ્વજના અપમાન મુદ્દે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે, મે આવો કોઈ વીડિયો જોયો નથી એટલે આ મુદ્દે હું કંઈ કહી શકું નહીં, જ્યાં સુધી હું આ વીડિયો જોઈ ન લઉં ત્યાં સુધી કોઈ નિવેદન ન આપી શકું.