એસીબીના સર્ચ દરોડા બાદ મહેસાણા એસીબીને તપાસ સોંપાઈ

હિંમતનગર, તા.૧૯
હિંમતનગર સેવાસદનમાં આવેલ અનુ.જાતિ કચેરી દ્વારા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સહયોગથી અનુ.જાતિના બેરોજગારો માટે ચલાવાતી રવિદાસ કૌશલ્ય વર્ધક યોજનામાં કેટલાક ભૂતિયા નામો રજિસ્ટરમાં બતાવીને સરકારી નાણાંને ચાઉં કરી જવાના કારસો અંગે રાજ્યના લાંચ રૂશ્વત બ્યુરોને મળતી માહિતી બાદ બુધવારે હિંમતનગર સ્થિત કચેરીમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક ગેરરીતિઓ બહાર આવતા તે અંગેની તપાસ ગુરૂવારે મહેસાણા એસીબીને સોંપી તરત જ આ અંગે હિંમતનગરના એસીબી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ કરાઈ છે. આ અંગે જિલ્લા એસીબીના પીએસઆઈ ચૌધરી દ્વારા મળતી માહિતી મુજબ હિંમતનગર સેવા સદનમાં આવેલ અનુ.જાતિ કચેરી દ્વારા સાબરકાંઠા જિલ્લાના અનુ.જાતિના ૧૮થી ૪૦ વર્ષના યુવક-યુવતીઓને કૌશલ્ય વર્ધક તાલીમ આપી તેમને રોજગારી પૂરી પાડવા માટે સંત રવિદાસ ઉચ્ચ કૌશ્લ્ય વર્ધક તાલીમ યોજના ચલાવવામાં આવે છે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ તરફથી અનુ.જાતિ વિભાગના નિયામક દ્વારા દરેક જિલ્લાઓમાં અનેજીઓની પસંદગી કરાયા બાદ આ કામગીરી સોંપવામાં આવે છે. જે સંદર્ભે સાબરકાંઠામાં આ યોજના ચલાવાતા કેટલાક એનજીઓ તથા અનુ.જાતિ વિભાગની હિંમતનગર સ્થિત કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓની મિલીભગતને લઈને કેટલાક બેરોજગારોના ભૂતિયા નામ યોજનામાં સામેલ કરીને સો ટકા બિલના નાણાં મેળવવા માટે રજૂ કરાય છે. પરંતુ અધિકારીઓની મિલીભગતને કારણે તેની ખરાઈ કર્યા વગર નાણાં ચૂકવી દેવામાં આવતા હોવાની માહિતી રાજ્ય લાંચરૂશ્વત બ્યુરોને મળ્યા બાદ બુધવારે હિંમતનગર સ્થિત આ કચેરીમાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં મોડી રાત સુધી તપાસનો ધમધમાટ રહ્યા બાદ ગુરૂવારે તેનો અહેવાલ રાજ્યના લાંચ રૂશ્વત બ્યુરોના અધિકારીઓને સોંપાયો હતો. ત્યારબાદ આ અંગે વધુ તપાસ કરવા માટે તથા કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે તેની તપાસ મહેસાણા એસીબીને સોંપવામાં આવી છે જે અંગે આગામી ત્રણેક માસ બાદ અહેવાલ આવ્યા પછી જો જરૂર જણાશે તો તે અંગે એસીબી પોલીસ સ્ટેશનમાં જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેમ છતાં ગુરૂવારે નિયમ મુજબ હિંમતનગર એસીબી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ અરજી આપી દેવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks