
તા.ર૭
અમદાવાદ શહેરના ઓઢવ સ્થિત સરકારી વસાહતની ચાર માળની બિલ્ડીંગનો એક બ્લોક ગત રાત્રે ધરાશાયી થઈ જવાની ઘટનામાં એકનું મોત અને ચાર શખ્સો ઘાયલ થયા હોવાનુંં જાણવા મળ્યુંં છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગતરાત્રિ દરમ્યાન આ ઈમારતના કાટમાળમાંથી છ લોકોને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કઢાયા હતા. મળતી માહિતી પ્રમાણે, આ ઘટનામાં જે લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમના નામ કિરણબેન સરોજભાઈ (ઉ.૨૮), સુરેશકુમાર હરદેવભાઈ (ઉ.૩૫), ભારતીબેન પટણી (ઉ.૩૮), અજયભાઈ પટણી (ઉ.૨૦) ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી હતી. આ સિવાય ગાંધીનગરથી NDRFની ૫ ટીમોની પણ મદદ લેવાઈ હતી. કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધખોળ માટે સ્નીફર ડોગની પણ મદદ લેવામાં આવી હતી. આ ઘટનામાં ૪ સ્નીફર ડોગ અને ૧૨૫ જેટલા જવાનો દ્ગારા કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની પ્રશંસનીય કામગીરી કરી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે રાતભર NDRFની ટીમોએ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ બિલ્ડિંગમાં તિરાડ પડી ગઈ હોવાથી તેને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી. રવિવારે સવારે એએમસીના કર્મચારીઓ દ્વારા બિલ્ડિંગ ખાલી કરાવાયું હતું. જાણવા મળ્યા પ્રમાણે આ બિલ્ડિંગ ૪૦-૫૦ વર્ષ કરતા પણ વધારે જૂની હોવાની માહિતી બહાર આવી છે. પહેલાથી જ તેમા તિરાડો હતી. દિવસ દરમિયાન વરસાદ પડતા બિલ્ડિંગમાં પોલાણ થયું હતું. આ પહેલા પણ વરસાદ પડતા એએમસીના અધિકારીઓએ નોટિસ આપી હતી. તેમ છતાં અનેક લોકો તેમાંથી બહાર નીકળ્યા નહોતા. પરિણામે આજે સાંજના સમયે જ દુર્ઘટના સર્જાઈ ત્યારે ત્રણ-ચાર પરિવારો તેમાં ફસાઈ ગયા હતા.
બિલ્ડીંગના ચણતરમાં સિમેન્ટ જ ન વપરાયુ હોવાના ઘટસ્ફોટ
ઓઢવમાં ૪ માળના સરકારી વસાહતની બિલ્ડિંગનો એક બ્લોક ધરાશાયી થવાની ઘટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપર અનેક સવાલો થઈ રહ્યા છે. આ બિલ્ડિંગ બનાવવામાં જે ભ્રષ્ટાચાર થયો છે તેનો સમગ્ર ચિતાર આ ઘટનાથી પર્દાફાશ થઈ રહ્યો છે. હાલ એવું કહેવાય છે કે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ તેના બાંધકામમાં હલકી કક્ષાનું મટીરીયલ્સ વાપરવાનું સામે આવ્યું છે. કાટમાળની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બિલ્ડિંગમાં બે ઈંટો વચ્ચે જે સિમેન્ટ પૂરવામાં આવે તેમાં સિમેન્ટ જ નહીં હોવાનું ખૂલેલા પ્લાસ્ટર પરથી ઘટસ્ફોટ થયો છે. હાલ પ્લાસ્ટરનું મટીરિયલ્સ, ઈંટોની ચણતરની પેટર્ન સહિત બિલ્ડિંગની ડિઝાઈનની તપાસ કરાશે. આ જ પ્રકારે હજુ પણ અહીં સરકારી વસાહતમાં ૭૦ જેટલા બ્લોક છે, જેમાં દરેકમાં તિરાડો પડેલી હોવાથી ખાલી કરાવવામાં આવશે. શહેરના કલેકટર વિક્રાંત પાંડે અને મ્યુનિ. કમિશનર વિજય નેહરા આ ઘટનાને કારણે સતર્ક થઈ ગયા છે, અને તપાસના આદેશ આપ્યા છે.