(એજન્સી) તેહરાન, તા. ૧
સીમાચિહ્નરૂપ પરમાણુ ડીલમાંથી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલી પીછેહઠને પગલે તેહરાન સામે પુનઃપ્રતિબંધો લાદ્યા પછી ઇરાનના વરિષ્ઠ અધિકારીઓએ કોઇપણ પૂર્વશરત વગર મંત્રણ કરવાની ટ્રમ્પની ઓફરને ‘અપમાન’ અને ‘નિરર્થક’ ગણાવીને ફગાવી દીધી છે. અલગથી ઇરાનના પ્રમુખ હસન રૂહાનીએ જણાવ્યું કે ૨૦૧૫માં થયેલો કરાર તોડીનાખવાની બાબત ગેરકાનૂની છે અને ઇરાનની મહત્વની ઓઇલની નિકાસો ખતમ કરી નાખવાની વોશિંગ્ટનની નવી ઝુંબેશ સામે ઇરાન સરળતાથી ઝુકશે નહીં. ઇરાનની વિદેશી સંબંધો અંગેની વ્યૂહાત્મકકાઉન્સિલના વડા કમાલ ખરાજીએ મંગળવારે જણાવ્યું હતું કે તેહરાનને ટ્રમ્પની ઓફરમાં કશું જ મહત્વનું હોવાનું લાગતું નથી. ઇરાનને ગંભીર પરિણામ ભોગવાવની ચેતવણી આપવામાં આવ્યાના એક સપ્તાહમાં ટ્રમ્પે આ ઓફર કરી છે. તેમણે એવું પણ જણાવ્યું કે અમેરિકા સાથેની મંત્રણાઓમાં અમારા ખરાબ અનુભવને આધારે અને અમેરિકી અધિકારીઓ દ્વારા તેમના વચનોના ભંગને આધારે આ સ્વાભાવિક છે કે ટ્રમ્પની દરખાસ્તમાં અમને મહત્વનું કશું જ જણાતું નથી. રૂહાની પર નિશાન સાધીને એક સપ્તાહ પહેલા ટ્રમ્પે ઇરાનને એવી ચેતવણી આપી હતી કે જો ઇરાન વોશિંગ્ટન સામે ખતરો બનશે તો તમને એવા પરિણામ ભોગવવા પડશે જેનું ઉદાહરણ ઇતિહાસમાં જવલ્લેજ મળે છે. મે મહિનામાં ટ્રમ્પે પોતે સત્તામાં આવ્યા પહેલા થયેલી બહુપક્ષીય ડીલમાંથી અમેરિકાને પાછું ખેંચી લીધું હતું અને આ કરાર ઇરાનની તરફેણમાં કરાયો હોવાનું ગણાવીને તેને વખોડી કાઢ્યોે હતો. સોમવારે તેમણે એવી જાહેરાત કરી હતી કે ઇરાન સાથેના સંબંધો કેવી રીતે સુધરવા ? તેના વિશે ચર્ચા કરવા માટે કોઇપણ પૂર્વ શરત વગર ઇરાનના પ્રમુખ રૂહાનીને મળવા માટે તેઓ તૈયાર છે.
વિદેશ વિભાગ : ઇરાન સાથે મંત્રણા કરવાની
ટ્રમ્પની ઓફરને પોમ્પિઓનું સમર્થન

(એજન્સી) વોશિંગ્ટન, તા.૧
અમેરિકાના વિદેશ પ્રધાન માઇક પોમ્પિઓએ ઇરાની અધિકારીઓ સાથે મંત્રણા કરવાની તૈયારી દર્શાવતાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને સમર્થન આપ્યું હોવાનું વિદેશ વિભાગે જણાવ્યું છે. પોમ્પિઓએ અગાઉ જણાવ્યું હતું કે સમસ્યાઓ ઉકેલવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ ઇરાની અધિકારીઓ સહિત આંતરરાષ્ટ્રીય નેતાઓ સાથે મળવા માગે છે. પોમ્પિઓ ઇરાન સાથે કોઇપણ પૂર્વ શરત વગર મંત્રણા કરવાની બાબતને સમર્થન આપ્યું છે કે કેમ ? એમ પૂછવામાં આવતા અમેરિકાના વિદેશ વિભાગનાં મહિલા પ્રવક્તાએ સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું કે વોશિંગ્ટન ઇરાનના વ્યવહારમાં પરિવર્તન જોવા માગે છે અને અમે ઇરાન સાથે મંત્રણા કરવા તૈયાર છીએ.