ચોરી કરાયેલ ૬૭૦૦ ગુણી મગફળી કેશોદના મેશવાણ ગામે ક્રાંતિ ઓઈલ મિલમાં વેચવામાં આવી હતી

જૂનાગઢ, તા.૮
સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર મગફળી કૌભાંંડ બહાર આવી રહ્યું છે ત્યારે આ મગફળી કૌભાંડ કેશોદ સુધી પહોંચ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે. મગફળીમાં માટી મિક્સ કરી મગફળીની ચોરી કરવામાં આવી હતી, જે ચોરી કરાયેલ મગફળીની ૬૭૦૦ ગુણી હાથ ધરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચોરી કરાયેલ મગફળી ખરીદવામાં આવી હોવાની વિગતો બહાર આવતા મીલને સીલ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ દ્વારા તમામ દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે જે તે સમયે રાત્રિના મીલમાં ચેકિંગ થઈ રહ્યું હતું તે તપાસ સમયે તંત્ર દ્વારા મીડિયાને દૂર રાખવાનો પ્રયાસ કર્યો હતો પણ આખરે સત્ય બહાર આવ્યું હતું. અને મીલને સીલ કરી દેવામાં આવેલ છે. મગફળીના કૌભાંડનું મોટુું નેટવર્ક બહાર આવી શકે તેવી શક્યતા જોવાઈ રહી છે જે બાબતે તંત્ર દ્વારા ખાનગી રાહે તપાસ માટે કેશોદના ત્રણથી ચાર વેપારીઓને તંત્ર પૂછપરછ માટે ઉઠાવી ગયાની પણ લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે જે બાબતે શું હકીકત બહાર આવે તે જોવાનું રહ્યું. કેશોદમાં સરકારી ટેકાના ભાવે જે તે વખતે ખરીદી શરૂ કરવામાં આવી હતી તે સમયે ખરીદીમાં ગેરરીતિ આચરાતી હોવાની ફરિયાદો થવા પામી હતી. તંત્રને લેખિત મૌખિક ટેલિફોનિક અનેક રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું ન હતું. જો તે જ સમયે તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં આવ્યા હોત તો મગફળી કૌભાંડ અટકી શક્યું હોત ગેરરીતિ બાબતે તંત્ર દ્વારા પગલાં ભરવામાં ન આવતા તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. હાલ મગફળીના કૌભાંડો ઠેર-ઠેર પડી રહ્યા છે. ત્યારે કેશોદ યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ કેશોદના સરકારી ગોડાઉનોમાં રાખવામાં આવેલી મગફળીની ગુણવત્તા ચેક કરાવવાની થોડા દિવસોથી માંગ કરી રહ્યા છે. સરકારી ગોડાઉનના જવાબદાર અધિકારીઓને ગોડાઉનમાં રાખવામાં આવેલી મગફળીની ચકાસણી કરાવવા ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પણ લાગતાવળગતા અધિકારીઓ એકબીજા અધિકારીઓને ખો આપી રહ્યા છે. અને તેમની જવાબદારીથી છટકી રહ્યા છે. જે ગેરરીતિની શંકાને વધુ મજબૂત કરતા હોય તેવું લાગી રહ્યું છે. કેશોદ યુથ કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા ડે.કલેકટર કચેરીમાં ધરણા કર્યા હતા. ડે. કલેકટરને લેખિતમાં જાણ કરી સરકારી અધિકારીને સાથે રાખી મગફળી રાખવામાં આવેલ સરકારી ગોડાઉન ચેક કરાવવાની માગણી કરી હતી છતાં આજદિન સુધી આ બાબતે કોઈ અધિકારીઓએ ગોડાઉન ચેક કરવાની તૈયારી બતાવી નથી એ બાબત સ્પષ્ટ બતાવે છે કે ગેરરીતિ બહાર આવવાની બીકે ગોડાઉનમાં રહેલી મગફળીની ચકાસણી કરવા દેવામાં નથી આવતી. કોંગ્રેસના હોદ્દેદારોએ પણ એક મક્કમ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી સરકારી ગોડાઉનમાં પહેલી મગફળીની ગુણવત્તા ચેક કરાવવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks