હેલ્ધી ગુજરાત અંતર્ગત રાજ્યના ૧.૬ કરોડ બાળકોને રસીકરણમાં આવરી લેવાશે

અમદાવાદ, તા.૧૬
ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપીનો પ્રારંભ કરાવતા રાજ્યના સૌ નાગરિકો માતા-પિતા અને શાળાઓ તેમજ સ્વૈચ્છિક સેવા સંસ્થાઓને આ અભિયાનમાં સક્રિયતા દાખવી રાજ્યનું ૯ માસથી ૧પ વર્ષ સુધીનું એકપણ બાળક ઓરી રસીકરણથી વંચિત ન રહે તેવો અનુરોધ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો છે. તેમણે કહ્યું કે હેલ્થી ગુજરાતની નેમ સાકાર કરવા આ ઓરી રૂબેલા રસીકરણ તહેત રાજ્યના અંદાજે ૧.૬ કરોડ બાળકોને આવરી લેવા આ અભિયાન ઉપાડ્યું છે. વિજય રૂપાણીએ આ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરમાં સેકટર-૭ની માધ્યમિક શાળાથી કરાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, ઓરીનો ભોગ રાજ્યનું કોઈપણ બાળક ન બને તેમજ સગર્ભા માતાને પણ કોઈ ચેપ ન લાગે અને જન્મજાત ખોડખાપણવાળું સંતાન અવતરે એ માટે આ ઓરી રૂબેલા રસીકરણ ૧લી મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ કર્યું છે. હવે એને ઝૂંબેશ સ્વરૂપે રાજ્યની તમામ શાળાઓમાં હાથ ધરીને આરોગ્ય વિભાગ ઓરી મુક્ત ગુજરાત માટે સંકલ્પબદ્ધ છે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે રાજ્યભરમાં આજથી આ ઓરી રૂબેલા રસીકરણ અભિયાન ઝૂંબેશરૂપે પાંચ અઠવાડિયા માટે શરૂ કરાવ્યું છે દેશના ર૦ રાજ્યોમાં આ સૌથી મોટા ઈન્જેક્ટેબલ રસીકરણ અભિયાનમાં ૯પ ટકાથી વધુ લોકો આવરી લેવાયા છે. ગુજરાતમાં ૯ મહિનાથી લઈને ૧પ વર્ષના ૧.૬ કરોડ બાળકોને આ રસીકરણમાં આવરી લેવાશે. આ અભિયાન અન્વયે પહેલા બે અઠવાડિયા રાજ્યની ધો.૧૦ સુધીની શાળાઓમાં રસીકરણ હાથ ધરાશે. ત્યાર પછી બે અઠવાડિયા આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર પર આ ઝૂંબેશ ઉપાડવામાં આવશે. એક પણ બાળક ઓરી-રૂબેલા રસીકરણથી બાકાત ન રહી જાય તે માટે પાંચમુ અઠવાડિયુ એવા રહી ગયેલા બાળકોને આવરી લેવાશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts