ઓક્સિજન સિલિન્ડર ચાલુ કરવામાં હોસ્પિટલનો સ્ટાફ બાખડતો રહ્યો અને ૭ માસના માસુમે દમ તોડ્યો

(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧
સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં આજે એક સાત માસનાં બાળકનું ઓક્સિજનના અભાવે મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ઓક્સિજનના અભાવે નહિં પરંતુ સિલીન્ડર ન ખુલવાને કારણે બાળકને સમયસર ઓક્સિજન મળ્યો ન હોવાથી મોત નિપજ્યું હોવાનું કારણ બાળરોગ વિભાગના સત્તાવાળાઓએ આપ્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તરપ્રદેશના કાસગંજ જિલ્લાના ભરગેન ગામના રહેવાસી નબીહસન પઠાણના સાત માસનાં પુત્ર મેહરાનને ગળાની બિમારી હોવાથી ગત મંગળવારના રોજ સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગમાં દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારથી તે પીઆઈસી વિભાગમાં ગંભીર હાલતમાં ઓક્સિજન ઉપર રાખેલો. આજે સવારે મહેરાનની તબિયત વધુ બગડી હતી. સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમને બદલે તેને સિલિન્ડરમાંથી સીધો ઓક્સિજન આપવાની સ્થિતિ સર્જાઈ હતી. મહેરાનની તબિયત વધુ બગડતા માતા પિતાએ તરત ડોક્ટરોને જાણ કરી બોલાવ્યા હતા.
ડોક્ટરોએ તરત જ વોર્ડના કર્મચારીઓને સિલિન્ડર લાવવા સૂચના આપી હતી. સિલિન્ડર લાવ્યા પછી ચાલુ કરવા માટે નર્સ અને પટાવાળા વચ્ચે જીભાજોડી શરૂ થઈ હતી. આથી સિલિન્ડર ખોલવામાં સમય લાગતા મહેરાન મોતને ભેટ્યો હતો. તેમ મૃતક બાળકના પિતા નબીબ હસન પઠાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે આના માટે હોસ્પિટલના સત્તાવાળાઓ જવાબદાર છે. નર્સ અને કર્મચારીઓ આવું બેજવાબદારીપૂર્વક વર્તન કેવી રીતે કરી શકે. સયાજી હોસ્પિટલના આરએમઓ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેરાનનાં મોત અંગે તેના પરિવારજનોએ જે આક્ષેપ મૂક્યો છે તે ખોટો છે. ઉત્તરપ્રદેશનાં ગોરખપુરમાં સર્જાયેલી ઘટના બાદ સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન અંગે પુરૂં ધ્યાન આપવામાં આવે છે. બાળરોગ વિભાગમાં સેન્ટ્રલ ઓક્સિજન સિસ્ટમ ચાલુ હતી. પરંતુ આ બાળકને સિલિન્ડર મારફત ઓકસિજન આપવાની જરૂરિયાત ઊભી થઈ હતી. ફરજ પરના તબીબોએ વ્યવસ્થા પણ ગોઠવી. પરંતુ સિલિન્ડર ટેકનીકલ ખામીને કારણે સમયસર ખુલી ન શકતા બાળકને ઓક્સિજન આપવામાં મોડું થયું હતું. જેના કારણે મોત નિપજ્યું હોવાનું જણાઈ રહ્યું છે તેમજ આરએમઓએ પત્રકારોને માહિતી આપી હતી. સયાજી હોસ્પિટલમાં મૃતક મહેરાનનું પેથોલોજીકલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ મોતનું ચોક્કસ કારણ બહાર આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks