(સંવાદદાતા દ્વારા) ભૂજ, તા.૧૩
ભૂજ ખાતે આજે બપોરે ૧૨ઃ૫૧ કલાકે અચાનક પડછાયો ગાયબ થઈ જતાં કુતૂહલ સર્જાયું હતું. કચ્છ એસ્ટ્રોનોમી ક્લબ દ્વારા કચ્છી લેવા પટેલ કન્યા વિદ્યામંદિર ખાતે આશરે ૨૦૦ વિદ્યાર્થિનીઓ શૂન્ય છાયા દિનની વિરલ ઘટનાની સાક્ષી બની હતી. શરૂઆતમાં ક્લબના પ્રમુખ નરેન્દ્ર ગોર “સાગર”એ પૃથ્વી પરના અક્ષાંશ, રેખાંશ, દિનની વધઘટ, પૃથ્વીની ધરીનું નમન જેવી બાબતો સમજાવતાં જણાવ્યું હતુ કે, સૂર્ય દરરોજ બપોરે માથા ઉપર આવતો નથી. પરંતુ કર્કવૃત અને મકરવૃત વચ્ચેના સ્થળો ઉપર વર્ષમાં બે વખત જ સૂર્ય એકદમ માથા ઉપર આવે છે અને ત્યારે શૂન્ય છાયા દિનની ઘટના સર્જાય છે. ખરેખર પડછાયો ગુમ થતો નથી પરંતુ જ્યારે સૂર્ય ૯૦ના ખૂણે આવે છે ત્યારે સીધા પદાર્થનો પડછાયો તેના પાયામાં જ પડતો હોવાથી દેખાતો નથી. આ ઘટનાનો પ્રત્યક્ષ નિદર્શન શાળાના મેદાનમાં ગોઠવવામાં આવ્યું હતું. ધીરે-ધીરે ટૂંકો થતો પડછાયો નિર્ધારિત સમયે ગુમ થઈ જતાં ઉપસ્થિત સૌએ તાળીઓ પાડી ખગોળ-ભૂગોળની ઘટનાને વધાવી લીધી હતી.