(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
ગુજરાતની ભાજપ સરકાર રૂા.૪ હજાર કરોડના મગફળી કાંડની તપાસ એક જ કેન્દ્ર પર કરી ભ્રષ્ટાચારના આખા પ્રકરણ પર પડદો પાડવાનો પ્રયાસ કરી રહી છે. આ કાંડના તાર ક્યાંકને ક્યાંક મુખ્યમંત્રી કાર્યાલય સુધી જોડાયેલા હોય તેમ જણાય છે. મગન ઝાલાવાડિયાના ગતરોજ પ્રસિદ્ધ થયેલ ઓડિયોમાં જો તેનો જ અવાજ હોયતો આ ઓડિયોમાં જે અધિકારી, સંસદસભ્ય, મંત્રી કે ધારાસભ્યના નામનો ઉલ્લેખ કરાયો છે તે બાબતે મુખ્યમંત્રી કેમ મૌન છે તેવો પ્રશ્ન ગુજરાતની જનતાને સતાવી રહ્યો છે.
શાપર ગોડાઉનમાં આગ લાગ્યાને ૯૦ દિવસ કરતાં વધુ સમય થયો છતાં પોલીસ ફરિયાદ કેમ કરવામાં આવેલ નથી? આ મગફળી કાંડની ન્યાયિક તપાસની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશી જણાવ્યું હતું કે, ગાંધીધામ, ગોંડલ, શાપર (રાજકોટ) અને જામનગર ખાતે ગોડાઉનમાં આગના આજદિન સુધી એફ.એસ.એલ.ના રિપોર્ટ કેમ આવ્યા નથી? કૃષિ વિભાગની તપાસણીનો અહેવાલ કેમ આવ્યો નથી ? પોલીસ તપાસને આડે પાટે દોરવા માટે થઈને સીઆઈડી ક્રાઈમને જવાબદારી સોંપી પરંતુ અહેવાલ તપાસ ક્યાં છે ? ગોડાઉનમાં સંગ્રહાયેલ મગફળીના કોથળાઓમાં માટી-પત્થર-કાંકરા હતા, તેને મગફળી વેચાણના નામે વેચાણ કરીને નિકાલ કરવા માટે આખા સૌરાષ્ટ્રના વેપારીઓને ડરાવી-ધમકાવીને મગફળી પાણીના ભાવે ખરીદવા મજબુર કર્યા. રૂા. ૧૩૫૦ની મગફળી રૂા. ૬૮૦થી ૭૪૦ વચ્ચે વેચાય છે, એમાં ટેન્ડર બહાર પાડયા કે બારોબાર વેચી તેની કોઈ સ્પષ્ટતા સરકારે કરી નથી. આમાં રૂા. ૬૦૦ તો ધાલખાધ આવે છે, એટલે રૂા. ૪૦૦૦ કરોડનું કૌભાંડ અને ૪૫% ભાવફેર એટલે રૂ. ૧,૮૦૦ કરોડ તો સરકારની તિજોરના ભાવફેરની અંદર જ ધોવાઈ ગયા. હવે રૂા. ૨,૨૦૦ કરોડની મગફળી ૨૮૯ ગોડાઉનમાં સરકારી ચોપડે ભરેલી છે તે ગોડાઉનમાં મગફળી છે કે પથ્થર તેનું સત્ય તો વેપારીઓ માલ ભરવા ગયા ત્યારે બહાર આવ્યું.
મગફળી ખરીદી માટે કુલ ૮ જેટલી સંસ્થાઓને ખરીદી સોંપી હતી, આ ૮ જેટલી સંસ્થાઓના વહીવટદારો, પ્રતિનિધિઓ કઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે તે જાણવાનો ગુજરાતની જનતાને અધિકાર છે. કુલ મગફળીની ખરીદીમાંથી ગુજકોમાસોલ પાસે બહોળો અને અનુભવી સ્ટાફ, રાજ્યવ્યાપી નેટવર્ક હોવા છતાં તેને ફક્ત ૧.૧૭ લાખ ટન મગફળીની ખરીદી સોંપી. ગુજરાત સરકારની ગુજકોટ કંપની કે જેનું રાજ્યવ્યાપી મહેકમ અધિકારીથી લઈ પટાવાળા સુધી માત્ર ૬ કર્મચારીનું મહેકમ છે, તેની પાસે ૫.૫ લાખ ટન મગફળી ખરીદાવાનું કોના ઈશારાથી થયું ? કોની સૂચનાથી આ સંસ્થાને ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી ? રાજ્યમાં જે પાંચ ગોડાઉનોમાં આગ લાગી છે તે પાંચેય ગોડાઉન ગુજકોટ દ્વારા સંગ્રહીત મગફળીના જ હતા તેવું જાણવામાં આવ્યું છે ત્યારે માત્ર ગુજકોટ દ્વારા ખરીદાયેલ મગફળીના ગોડાઉન સરકારની મીઠી નજર હેઠળ એક સરખી પદ્ધતિથી સળગ્યા છે કે કેમ ? એ જાણવાનો અધિકાર ગુજરાતની જનતાને છે. ભાજપના આગેવાનોએ મગફળી કાંડમાં અધૂરી રહેલ મલાઈ તારવવા પુનઃ ખરીદ કેન્દ્રો શરૂ કર્યા ત્યારે નાફેડે મગફળી ખરીદીમાં થયેલ અનિયમિતતા અંગે રજૂ કરેલ અહેવાલ દેશની જનતા સમક્ષ રજૂ કરતા ભાજપ સરકાર શું કામ ડરે છે ?