મુંબઇ, તા. ૧૧
સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ પદ્માવતીના વિરોધ વચ્ચે ફિલ્મકારો હવે ફિલ્મના સમર્થનમાં ઉતરી રહ્યા છે. વિખ્યાત ગીતકાર જાવેદ અખ્તર અને ફિલ્મકાર કરણ જોહર ભણસાલી અને તેમની ફિલ્મનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું છે કે, આ ફિલ્મો ફક્ત અભિવ્યક્તિના માધ્યમ છે અને ઇતિહાસ સાથે ભેળવીને તેનો ખોટો અર્થ કાઢી ન શકાય. ભણસાલીએ મલિક મોહમ્મદ જાયસીની ઐતિહાસિક રચના પદ્માવતના સંદર્ભથી પદ્માવતી ફિલ્મ બનાવી છે. રાજપૂત સમુદાય સતત આ ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે. એક કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કહ્યું હતું કે, હું ટીવી પર આ વિવાદને લઇ એક પ્રોફેસરને સાંભળી રહ્યો હતો. તેમણે કહ્યું કે, ખિલજી વંશના શાસનકાળ અને પદ્માવતની રચના વચ્ચે ૨૦૦-૨૫૦ વર્ષનું અંતર છે. જાયસી દ્વારા પદ્માવત લખતા પહેલા પદ્માવતીનો કોઇ ઉલ્લેખ નથી જ્યારે તે સમયે ઘણો ઇતિહાસ લખાઇ ગયો હતો. રાષ્ટ્રવાદ અંગે તેમણે જણાવ્યું હતું કે, અન્યોને રાષ્ટ્રવિરોધી કહેનારાઓએ એ વાત હજમ કરવી જોઇએ કે, તેઓ અને તેમના રાષ્ટ્રીય દળ રાષ્ટ્રથી મોટા નથી. કરણ જોહરે પણ ભણસાલીનું સમર્થન કરતા કહ્યું કે, મેં પોતાની ફિલ્મ એ દિલ હૈ મુશ્કીલની રીલિઝ સમયે વિવાદોનો સામનો કર્યો છે. સંજય લીલા ભણસાલીએ સારી ફિલ્મ બનાવી છે અને મને આશા છે કે, ફિલ્મનું સમર્થન એ લોકો જરૂર કરશે જેઓ રચનાત્મકતા અને અભિવ્યક્તિના માધ્યમને સમજે છે. ભણસાલીએ પોતે પણ કહ્યું કે, ફિલ્મમાંએવું કાંઇનથી જેનાથી લોકોની ભાવનાઓ અને સંવેદનાઓને ઠેસ પહોંચે. મારા મતે તેમના પર વિશ્વાસ કરવો જોઇએ. ભણસાલીને પદ્માવતી બનાવવાની શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.