‘પદ્માવતી’ વિવાદ : સુપ્રીમકોર્ટે પદ્માવતી ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવા ઇન્કાર કર્યો

(એજન્સી) નવી દિલ્હી,તા.૧૦
સંજયલીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતી ઉપરથી વિવાદના વાદળો વિખેરાયા નથી પણ વધુ ઘેરા બન્યા છે. ત્યાં સુધી કે આ મામલો સુપ્રીમકોર્ટ સુધી પહોંચ્યો છે. સુપ્રીમકોર્ટ સમક્ષ પદ્માવતી ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ હતી પણ સુપ્રીમકોર્ટે પ્રતિબંધ માટે ઈન્કાર કરતાં અરજી રદ કરી હતી. સુપ્રીમકોર્ટે અરજી રદ કરતાં જણાવ્યું કે, હજી સુધી ફિલ્મને સેન્સર બોર્ડે પાસ કરી સર્ટીફિકેટ પણ આપ્યું નથી. એ પહેલાં અમે કઈ રીતે પગલાં લઈ શકીએ. સેન્સર બોર્ડ એક સરકારની સ્વતંત્ર સંસ્થા છે. જેમને સર્ટીફિકેટ આપવાની કામગીરી સોંપાઈ છે. અમે એમની કામગીરીમાં દખલ આપી શકીએ નહીં. કોર્ટે અરજદારને જણાવ્યું કે, તમે સેન્સર બોર્ડ અને એ પછી એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અરજી કરો અને પછી અમારી સમક્ષ આવો. અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ પ્રકારનું મંતવ્ય આપી પ્રતિબંધ મૂકવા ઈન્કાર કર્યું હતું. રાજસ્થાન સરકારે પણ એક કમિટીની નિમણૂક કરી છે જે આ મામલાની તપાસ કરશે. કમિટીના રિપોર્ટ પછી સરકાર નિર્ણય લેશે. એ પ્રકારના અહેવાલો મળ્યા છે કે, આ ફિલ્મમાં વધુ પડતાં રોમાન્ટીક દ્રશ્યો પદ્માવતી અને ખિલજી વચ્ચે બતાવાયા છે જેના લીધે રાજપૂત સમાજ નારાજ છે. અમુક સંગઠનોના આક્ષેપો છે કે ઈતિહાસ સાથે ચેડાં કરાયા છે અને રાણી પદ્માવતીને ઉતરતી કક્ષાનું બતાવવામાં આવ્યું છે. એમના કહેવા મુજબ ફિલ્મમાં બતાવાયું છે કે, રાણી પદ્માવતીના પતિના મૃત્યુ પછી પદ્માવતી ખિલજી તરફ આકર્ષાઈ હતી. જે તદ્દન ખોટી વાત છે. હિન્દુ સંગઠનોએ ફિલ્મની શુટીંગ વખતે પણ રાજસ્થાનમાં વિરોધો કર્યા હતા અને હાલમાં ચેતવણી પણ આપી છે કે જો ફિલ્મને રજૂ કરાશે તો એના ગંભીર પરિણામો આવશે. હિન્દુ સંગઠનોએ જણાવ્યું છે કે ઈતિહાસ મુજબ જ્યારે પદ્માવતીના પતિની હત્યા કરાઈ હતી એ પછી ખિલજીથી બચવા માટે પદ્માવતી અને એક અન્ય મહિલાએ પોતાને આગ ચાંપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો નહીં કે ખિલજી તરફ આકર્ષાઈ હતી. જો કે ભણસાલીએ સ્પષ્ટતા કરી છે કે આ બધા આક્ષેપો ખોટા છે. ફિલ્મમાં એવા કોઈ રોમાન્ટીક દ્રશ્યો બતાવવામાં આવ્યા નથી.

પદ્માવતીના દિગ્દર્શક ભણસાલી વિરૂદ્ધ
દેશદ્રોહનો કેસ ચલાવો : સેન્સર બોર્ડના સભ્ય
સેન્સર બોર્ડના સભ્ય અર્જુન ગુપ્તાએ ગૃહમંત્રી રાજનાથસિંઘને લખ્યું છે કે, પદ્માવતીના દિગદર્શક સામે કડક પગલાં લઈ એમની વિરૂદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવો જોઈએ. જો ભાજપના અન્ય એક સભ્યે પણ આ જ પ્રકારે વાંધો ઉઠાવતા સૂચના પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીને પણ પત્ર લખ્યો છે. અર્જુન ગુપ્તાએ કહ્યું છે કે, જો આવું કરવામાં નહીં આવે તો ભણસાલી આ પ્રકારની ફિલ્મો બનાવતા જ રહેશે.
પદ્માવતી ફિલ્મના વિવાદમાં સ્વામી પણ કૂધ્યા, કહ્યું દુબઈના લોકોની ઈચ્છા છે કે મુસ્લિમ રાજાઓને હીરો તરીકે દર્શાવવામાં આવે
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ફિલ્મના વિવાદમાં જોર ફૂંકતા જણાવ્યું છે કે, આ એક આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે જેમાં ખાસ કરીને દુબઈના લોકો એ જોવા માંગે છે મુસ્લિમ રાજાઓ હીરો હતા અને એમની તરફ હિન્દુઓની રાણીઓ પણ આકર્ષાતી હતી અને એમની સાથે સંબંધો બાંધવા ઈચ્છતી હતી. પદમીનીને ઉતરતી કક્ષાએ મૂકાયું છે. આજ રીતે જોધાબાઈ માટે પણ બતાવાયું હતું. છેલ્લા ૧૦ વર્ષમાં આ પ્રકારની ફિલ્મો વધુ બની છે. સ્વામીએ માગણી કરી છે કે ફિલ્મમાં નાણાં રોકનારની તપાસ થવી જોઈએ જેમણે આ પ્રકારની ફિલ્મ માટે નાણાં આપ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks