અમદાવાદ,તા. ૨
શહેરના ઓઢવ વિસ્તારમાં ભવાનીનગરના ટેકરા ખાતે ગઇ મોડી રાત્રે માતા-પુત્રીની કુહાડીના ઘા ઝીંકી કરપીણ હત્યાના ચકચારભર્યા પ્રકરણમાં પાડોશી યુવક અને તેનો પ્રેમી જ હત્યારા હોવાની ચોંકાવનારી હકીકતનો પર્દાફાશ પોલીસે કર્યો હતો. માતા સાધના પરમારની હત્યા થતાં તેની ૧૦ વર્ષની પુત્રી રૂબી જોઇ જતાં તેણીને પણ બંને હત્યારાઓએ બેરહમીથી મોતને ઘાટ ઉતારી હતી. પોલીસે બંને આરોપીઓ વિરૂધ્ધ ડબલ મર્ડરનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચકચારભર્યા આ ડબલ મર્ડર કેસની વિગત એવી છે કે, શહેરના ઓઢવ વિસ્તારમાં ભવાનીનગર ટેકરામાં રહેતી ૩૮ વર્ષીય સાધના ડેવીડ પરમાર અને તેની ૧૦ વર્ષની પુત્રી રૂબી પરમારને મોડી રાત્રે હત્યારાઓએ કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી તો પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભવાની નગરના ટેકરામાં પરપ્રાંતીય લોકો ભાડાના મકાનમાં રહે છે અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. સાધના પરમાર તેના પતિ ડેવીડ, બે પુત્ર અને પુત્રી સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. રાત્રે સાધના તેની પુત્રી રૂબી સાથે ઘરમાં સૂઇ ગઇ હતી, જયારે પતિ ડેવીડ બે પુત્રો સાથે ઘરની બહાર રોડ પર સૂઇ ગયા હતા. સવારે ડેવીડે ઉઠીને ઘરમાં જોયું તો તેની દસ વર્ષની પુત્રી રૂબીની લાશ પડી હતી, સાધના ગાયબ હતી. ડેવીડ અને તેના પુત્રોએ બૂમાબૂમ મચાવતાં લોકો ભેગા થઇ ગયા હતા, થોડીવારમાં તો સાધનાની લાશ પણ લોહીલુહાણ હાલતમાં પાડોશના મકાનમાંથી મળી આવી હતી, જે વાતને લઇ રહસ્યના અનેક તાણાવાણા સર્જાયા હતા. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં મરનાર સાધના પરમારની પાડોશમાં રહેતાં જાવેદ ઉર્ફે રોહિત ઇકબાલ બંદુ અન્સારી નામના યુવકની ધરપકડ કરતાં તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી લીધી હતી અને જણાવ્યું હતું કે, સાધના માથાભારે મહિલા હતી અને તેથી તેને આડોશપાડોશમાં સાથે અવારનવાર તકરાર થતી હતી. પાડોશમાં રહેતા ક્રિપાલ નામના યુવક સાથે તેને પ્રેમસંબંધ હતો, ક્રિપાલ તેના ઘેર જ રહેતો હતો અને તેના પરિવાર માટે રૂપિયા પણ આપતો હતો. ક્રિપાલને સાધનાની પુત્રી રેશ્મા સાથે પણ લગાવ હતો પરંતુ સાધનાએ થોડા સમય પહેલાં જ રેશમાને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોઇ તેની સાથે ભગાડી મૂકી હતી, જે વાતને લઇ ક્રિપાલને આઘાત લાગ્યો હતો અને તેની અને સાધના વચ્ચે ઝઘડો પણ થયો હતો. પતાવી દેવાનું નક્કી કર્યું હતું. આ માટે ક્રિપાલે તેની મદદ માંગી હતી અને હત્યામાં સાથ આપવાનું જણાવ્યું હતું. સાધના સાથે તેને પણ બબાલ થઇ હોવાથી તે આ ગુનામાં સાથ આપવા તૈયાર થઇ ગયો હતો. જાવેદે હત્યા કરવા માટે કુહાડી અને ચપ્પાની તૈયારી કરી રાખી હતી. મંગળવારે રાત્રે ક્રિપાલ સાધનાને જાવેદની રૂમ નંબર-૫માં બોલાવી લાવ્યો હતો. એટલામાં જાવેદ પણ આવી ગયો હતો. જાવેદને જોઇ સાધના ઉશ્કેરાઇ ગઇ હતી અને બોલવાનું શરૂ કરે તે પહેલાં જ ક્રિપાલે તેનુ મોંઢુ દબાવી દીધુ હતું અને જાવેદે કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. તેની લાશને ગોદડીમાં સંતાડવાનો પ્રયાસ કરતી વખતે અચાનક સાધનાની નાની પુત્રી રૂબી અચાનક ત્યાં આવી ગઇ હતી અને તે બધુ જોઇ ગઇ હતી, તેથી આરોપીઓએ રૂબીને પણ મોંઢુ દબાવી તેના ઘેર લઇ જઇ ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. એટલું જ નહી, જાવેદે તેણીને પ્લાસ્ટિકની દોરી વડે ગળે ટૂંપો પણ આપ્યો હતો.