અમદાવાદ,તા.૧૭
ગુજરાત સરકારે વીજ ક્ષેત્રમાં ફરજ બજાવતા વિવિધ સંવર્ગના વિદ્યુત સહાયકોના પગારમાં વધારો કરવાનો કર્મચારીલક્ષી નિર્ણય લીધો છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં રાજયમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. અને તેની સંલગ્ન કંપનીઓમાં સાત હજારથી વધુ વિદ્યુત સહાયકો જેવા કે ઈલેકટ્રીક આસીસ્ટન્ટ હેલ્પર, જુનિયર આસીસ્ટન્ટ પ્લાન્ટ એટેન્ડન્ટ ગ્રેડ-૧ અને જુનિયર ઈજનેર એમ ચાર સંવર્ગમાં ફિકસ પગારથી કામ કરી રહ્યા છે આ કર્મચારીઓના આર્થિક હિતને ધ્યાને લઈને રાજય સરકારે આ વિદ્યુત સહાયકોના વેતનમાં માસિક રૂા. ર,પ૦૦થી લઈ રૂા.૧૦,૪પ૦ સુધીનો માતબર વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઉર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજય સરકારના આ નિર્ણયથી જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓ ઉપર વાર્ષિક રૂા.૩ર.૭૯ કરોડનું આર્થિક ભારણ આવશે. જો કે આ આર્થિક બોજો જે તે વીજ કંપનીઓ દ્વારા વહન કરવામાં આવશે.