(એજન્સી) તા.૨૩
જ્યારેે નવેમ્બર ર૦૧૮માં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મરાઠાઓ માટે ૧૬ ટકા અનામતની જાહેરાત કરી, ત્યારે રાજ્યના મુસ્લિમોએ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. મુસ્લિમોએ શિક્ષણ અને રોજગારમાં પાંચ ટકા અનામતની માગણી કરી હતી, પરંતુ સરકાર તે દિશામાં નિષ્ક્રિય રહી હતી. ફરી એકવાર મુસ્લિમ રિઝર્વેશન ફેડરેશન (એમઆરપી) દ્વારા અનામતની માગણી સાથે ભિવંડીથી મુંબઈ સુધીની પ૦ કિ.મી. લાંબી પગપાળા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીની શરૂઆત ર૪ ફેબ્રુઆરીની સવારે ભિવંડીથી થશે અને ર૬ ફેબ્રુઆરીના રોજ મુંબઈના આઝાદ મેદાન ખાતે આ રેલીનું સમાપન કરવામાં આવશે. રેલીના આયોજકો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને આવેદનપત્ર આપી ફક્ત લઘુમતી મુસ્લિમ સમુદાય જ નહીં, પરંતુ રાજ્યના અન્ય લઘુમતી સમુદાયોની માગણીઓ વિશે પણ રજૂઆત કરશે.
તેમની માગણીઓ નીચે મુજબ છે.
• મુસ્લિમો માટે પાંચ ટકા અનામત
• વકફની જમીનનું સંરક્ષણ
• સચ્ચર કમિટી, રંગનાથ મિશ્રા કમિટી અને મહમદુર રહમાન કમિટીની ભલામણોને લાગુ કરવી
• ગરીબી રેખા નીચે જીવતા બધા લોકોને યલો રેશનકાર્ડ આપવા
• માલેગાંવમાં મહિલાઓ માટે યુનિવર્સિટીની સ્થાપના
• લઘુમતી સમુદાયના વિકાસ માટે ભંડોળ આપવું
• વિચરતી જાતિઓ અને પછાત જાતિઓના ગરીબોને પ્રમાણપત્ર આપવું
• માલેગાંવને જિલ્લાનો દરજ્જો આપવો
એમઆરએફના સંયોજનક શેખ આસિફ આ રેલીનું નેતૃત્ત્વ કરશે. આ પહેલાં ર૦૦૩માં તેમણે માલેગાંવથી મુંબઈ સુધીની ૩૦૦ કિ.મી. લાંબી રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મુસ્લિમો માટે કામ કરતી ઘણી સ્વૈચ્છિક સંસ્થાઓ ભાગ લેવાની છે. હાફિઝ, અનીસ અઝહર, એ.બી. હલીમ સિદ્દીકી, નવેદ ખતીબ અને શકીલ જાની આ રેલીના કો.ઓર્ડિનેટર છે.