ભૂજના બસ સ્ટેન્ડમાંથી પકડાયેલ
ભૂજ ખાતેથી પકડાયેલ બે જાસૂસો બુરખા હેઠળ પોલીસ જાપ્તા હેઠળ દૃશ્યમાન થાય છે.
(તસવીર : રમેશ આહિર, ભૂજ)
ભૂજ,તા.૧૩
કચ્છના મુખ્ય મથક ભૂજ ખાતેથી તા.૧૨-૧૦ની રાત્રે જાસૂસ ગણાતા બે શખ્સોની પોલીસની એ.ટી.એસ. દ્વારા ધરપકડ કરી જાસૂસીને લગતા ઘણા બધા દસ્તાવેજો કબજે કરવામાં આવતા પાકિસ્તાની આઈએસઆઈનું નેટવર્ક કચ્છમાં હોવાનું બહાર આવી રહ્યું છે. બીજી તરફ પકડાયેલ બન્ને જાસૂસ શખ્સોેને વધુ તપાસ માટે ૧૪ દિવસના રિમાન્ડની માગણી સાથે અદાલતમાં રજૂ કરાશે. હાલમાં જ્યારે ભારત-પાક. વચ્ચે તંગદિલીની સ્થિતિ ચાલી રહી છે ત્યારે બહાર આવેલા આ પ્રકરણની વિગચો એવી છે કે, તા.૧૨-૧૦ની રાત્રે ભૂજ બસ સ્ટેશન વિસ્તાર ખાતે અમદાવાદથી ધસી આવેલી એન્ટીટેરરિસ્ટ સ્કવોડ (એ.ટી.એસ.)ની ટુકડીએ આ સ્થળેથી ભૂજ તાલુકાના દેઢીયા ગામના વતની શકુર સુમરા અને ભૂજ તાલુકાના સુમરાપોર ગામના પત્ની મોહમ્મદ અલાના નામના બે શખ્સોને પકડી પાડયા હતા. આ બંન્ને શખ્સો કચ્છમાંથી મહત્ત્વના સ્થળોની જાસૂસી કરી પાકિસ્તાનની ગુુપ્તચર સંસ્થા આઈ.એસ.આઈ.ને મોકલવા માટે જાસૂસીનું કામ કરતા હોવાની બાતમી એ.ટી.એસ.ને મળી હતી જેના આધારે અમદાવાદથી ધસી આવેલી આ પોલીસ ટુકડીએ બન્ને શખ્સોને ભૂજના બસ સ્ટેશનમાંથી પકડી લીધા હતા. આ શખ્સો પાસેથી કચ્છની સીમા ઉપર અને ભૂજમાં આર્મી સીમાદળના મહત્ત્વના સ્થળોની માહિતીઓ સાથેના દસ્તાવેજ અને સાહિત્ય મળી આવ્યુું છે. તેવું પોલીસે જણાવ્યું છે. અમદાવાદથી આ કામગીરી કરવા આવેલા એ.ટી.એસ.ના ડી.વાય.એસ.પી બળવંતસિંહ ચાવડા અને પોલીસ ઈન્સ. વિનોદ મલ્હોત્રાએ વિગતો આપતા જણાવ્યું કે, બન્ને શખ્સોની પ્રાથમિક પૂછપરછમાં જણાવાયું છે કે, આ બન્ને શખ્સો છેલ્લા બે વર્ષથી પાક.ની આઈએસઆઈ માટે કચ્છમાંથી જાસૂસીનું કામ કરતા હતા. બે પૈકી મોહમ્મદ અલાના પાસેેથી તેમનું પાકિસ્તાની આઈકાર્ડ પણ મળ્યું છે. મોહમ્મદ અલાના ત્રણેક વખત પાક. પણ જઈ આવ્યો છે અને એકથી વધુ પાસપોર્ટ પણ ધરાવે છે. બન્ને શખ્સોના મોબાઈલ પણ જપ્ત કરાયા છે. જેમાંથી પણ મહત્ત્વના ફોન નંબર-ફોટોગ્રાફ્સ અને પાક.ના સંપર્ક નંબરો પણ મળ્યા છેે. મોહમ્મદ અલાના નામનો શખ્સ કેફી દ્રવ્યના કેસમાં રાજસ્થાનમાં સજા ભોગવી આવ્યો છે અને ત્યારપછી તે ભૂજ અને સમગ્ર કચ્છની જાસૂસીમાં પાક.એજન્સી માટે કામ કરતો હતો. તેવું બહાર આવ્યું છે. વધુમાં પોલીસે એવું પણ જણાવ્યું પાક. આઈ.એસ.આઈ.ના હેન્ડલરો દ્વારા કચ્છના આ જાસૂસોને સ્વરૂપવાન યુવતીઓની લાલચ આપી જાસૂસીનું કામ પણ કરાવતા હતા તેવું તપાસમાં જણાયું છે. જાસૂસીના આ ગંભીર પ્રકરણમાં ધરપકડ કરાયેલ ઉપરાંત અન્ય શખ્સો પણ સંડોવાયેલ હોવાની સંભાવના પોલીસે વ્યક્ત કરી છેે. આ બન્ને શખ્સો હાલમાં ભૂજના કેમ્પ વિસ્તારમાં એક મકાન ભાડે રાખીને રહેતા હતા. એટીએસની ટીમ દ્વારા આ મકાનમાં પણ શોધખોળ કરી હતી અને મકાનને હાલમાં પોતાના કબજામાં લઈ લીધું છે. એ.ટી.એસ.ના પોલીસ ઈન્સ. વિનોદ મલ્હોત્રાએ જણાવ્યું કે, બન્ને શખ્સો વિરૂદ્ધ ઓફિશ્યલ સિક્રેટ એક્ટની કલમ-૩ અને ઈન્ડિયન પીનલ કોડની કલમ ૧૨૧, ૧૨૩, ૧૨૧-એ ઉપરાંત આઈ.ટી.એક્ટ ૬૬-એફ મુજબ ગુનો નોેંધવામાં આવ્યો છે. આ જાસૂસોને પકડવા માટે અમદાવાદથી એ.ટી.એસ.ના ૧ ડીવાયએસપી, ૩ પોલીસ ઈન્સ., ૨ પોલીસ સબ ઈન્સ.ની ટુકડી ભૂજ ખાતે ધસી આવી હતી. પાકિસ્તાનને અડીને આવેલા કચ્છની જમીન અને દરિયાઈ સરહદ ઉપરથી અવાર-નવાર પાકિસ્તાની શખ્સોની ઘૂસણખોરી દરમ્યાન ધરપકડ થતી રહે છે. ભૂતકાળમાં કચ્છની સરહદેથી પાક.શખ્સની સાથે હથિયારો અને વિસ્ફોટકો પણ મળ્યા છે અને અગાઉ પાક. જાસૂસો પણ પકડાયા છેે. ત્યારે ફરી એકવાર આ બન્ને શખ્સો જાસૂસ તરીકે પકડાતા કચ્છમાંથી મહત્ત્વની વિગતો પાક.ને મળતી હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે.