પાક વીમાને સરકારનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ગણાવી, ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપીશ નહીં તેવી જવાહર ચાવડાની પ્રતિજ્ઞા

જૂનાગઢ, તા.૧
ધરતી ખુંદીને લોહી- પરસેવો રેડીને ધરતીમાંથી ધાન પકાવતા ખેડૂતોનું કરોડો રૂપિયાનું પ્રિમિયમ ખાનગી કંપની દ્વારા ઉઘરાવીને ખેડૂતને તેમના નિષ્ફળ ગયેલા પાક સામે પાક વીમાનું રક્ષણ આપવામાં સરકાર ઠાગાઠૈયા કરે છે. ત્યારે ખેડૂત પર થયેલા અત્યાચારની સામે મેદાને પડેલા જવાહરભાઈ ચાવડાએ આક્રોશપૂર્વક આ પ્રશ્ને છેક સુધી લડી લેવાની પ્રતિજ્ઞા લીધી છે.
મેંદરડા- વંથલી ખાતે હજારોની સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને ભાજપ સરકાર દ્વારા પાક વીમાના પ્રશ્ને ખેડૂત સાથે થયેલી છેતરપિંડીનો પર્દાફાશ કર્યો હતો.
તેમણે ઉપસ્થિત ખેડૂતોને છણાવટ કરતાં જણાવ્યું હતું કે, ખેડૂતોને અન્યાયનો પ્લાન દિલ્હીથી ઘડાયો છે. આજદિન સુધી ખેડૂતોને પોતાના ખેતરમાં પાક નિષ્ફળ જાય તો સરકારનું તંત્ર સર્વે કરીને યોગ્ય લાગે તેટલું વળતર ચૂપચાપ આપી દેતું હતું. તેના બદલામાં તેમની પાસે અગાઉ સામાન્ય રકમનું પ્રિમિયમ ઉઘરાવવામાં આવતું હતું પરંતુ હવે પ્રસિદ્ધિના ભૂખ્યા વડાપ્રધાનને કરોડો અબજો રૂપિયાની જાહેરાત ફરી પાક વીમાની સામાન્ય બાબતને પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના નામ આપ્યું અને ખેડૂતો પાસે પ્રિમિયમ ઉઘરાવવાનો…લૂંટ કરવાનો કોન્ટ્રાકટ ખાનગી કંપનીઓને આપી દીધો પરિણામે હંમેશા નફાનો જ વિચાર કરતી કંપનીઓએ અબજો રૂપિયાનો નફો કરવાનો ખાસ પ્લાન ઘડી કાઢયો છો.
અભણ ખેડૂતો પાસે પાક વીમા માટે ઓનલાઈન અરજી કરાવવાની જાહેરાત કરી ખેડૂતોના ખાતામાંથી બારોબાર પ્રિમિયમ ઉપાડી લીધા પછી ખેડૂતનો પાક નિષ્ફળ ગયો હોવા છતાં તેના ખેતરના સર્વે કર્યા વગર નિયમોનો ભંગ કરીને ખેડૂતને લીલા લહેર છે તેમ ગણીને એક પણ રૂપિયાનો વીમો આપ્યો નથી. આમ હજારો-લાખો ખેડૂતોને વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ છેતર્યા છે. વધુમાં કહ્યું કે મેં આંદોલન જાણી જોઈને ૧પ દિવસ મોડું કર્યું છે. હું માનતો હતો કે, ખેડૂતને ન્યાય આપવાની જવાબદારી ભાજપની છે પણ તે ફરજ ચૂકતા તેની સામે જંગે ચડ્યો છું. અનેક ખામીઓના કારણે ખેડૂતો દુઃખી થયા છે. ત્યારે તેને પાક વીમાનો ન્યાય નહીં મળે ત્યાં સુધી જંપીશ નહીં તેવી પ્રતિજ્ઞા લઉં છું. આ મામલે ઉચ્ચ ન્યાયાલયના દ્વાર ખટખટાવવાનો ટંકાર કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks