(એજન્સી) લાહોર, તા.૨૧
મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને વૈશ્વિક ત્રાસવાદી જાહેર કરાયેલ હાફિઝ સઈદના પક્ષ જેયુડી દ્વારા પાકિસ્તાનની ચૂંટણીઓમાં ૨૬૫ ઉમેદવારો ચૂંટણીઓ લડી રહ્યા છે. જેમાં હાફિઝનો પુત્ર અને જમાઈ પણ સામેલ છે. રપમી જુલાઈએ ચૂંટણીઓ યોજવાની છે. પાકિસ્તાનને ઈસ્લામનો ગઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સઈદના પક્ષે ચૂંટણીઓમાં ઝંપલાવ્યું છે. સઈદના માથા ઉપર ૧૦ મિલિયન ડોલરનું ઈનામ જાહેર કરાયેલ છે. જેયુડીએ પહેલાં મિલ્લી મુસ્લિમ લિગના નામથી રાજકીય પક્ષની સ્થાપના કરી હતી પણ આંતરરાષ્ટ્રીય વિરોધો થતાં ચૂંટણી પંચે પક્ષને માન્યતા આપી ન હતી. પછી એમણે એક નિષ્ક્રિય પક્ષ અલ્લાહ-ઉ-અકબરને પુર્નજીવિત કર્યું જે પહેલેથી પંચ સમક્ષ નોંધાયેલ હતું અને એના છત્ર નીચે પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. નવાપક્ષ હેઠળ ચૂંટણી પંચે બધા સભ્યોના ઉમેદવારીપત્રો સ્વીકાર્યા છે. સઈદનો પક્ષ ૮૦ રાષ્ટ્રીય સભાની અને ૧૮૫ પ્રાંતિય ધારાસભાની બેઠકો ઉપર ચૂંટણીઓ લડશે. જો કે, હાફિઝ સઈદ પોતે ચૂંટણીઓ લડતો નથી. સઈદના પક્ષના સભ્યો સમગ્ર પાકિસ્તાનમાં ૯ ચૂંટણીઓ લડશે. એમએમએલના અધ્યક્ષે કહ્યું કે, અમે જુલાઈની ચૂંટણીઓમાં બિનસાંપ્રદાયિક પક્ષોને આગળ આવવા નહીં દઈશું. કારણ દેશની રચના જ ઈસ્લામના નામે જ થઈ હતી. અમે રાજકારણમાં સત્તા હાંસલ કરવાના ઉદ્દેશ્યથી નથી આવ્યા પણ ભ્રષ્ટાચાર, તકવાદિતાને દૂર કરવા આવ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય પાકિસ્તાનને ઈસ્લામનો ગઢ બનાવ્યો છે.