પાકિસ્તાન હસ્તકના કાશ્મીર અંગે ટિપ્પણી કરવા બદલ ફારૂક અબ્દુલ્લાહ સામે કાર્યવાહીનો હાઈકોર્ટનો ઈન્કાર

(એજન્સી) નવી દિલ્હી, તા.ર૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ ફારૂક અબ્દુલ્લાહ દ્વારા પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર અંગે કરેલી ટિપ્પણી બાબતે તેમની સામે પગલાં લેવા માટે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરાયેલી એક જાહેર હિતની અરજીની સુનાવણી બાદ કોર્ટે આ અંગે કોઈપણ હુકમ કરવાનો ઈન્કાર કરી અરજદારને આ અંગે સંબંધિત મંત્રાલયનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
જાહેર હિતની અરજી કરનાર દિલ્હીના મૌલાના અન્સાર રઝાએ માગણી કરી હતી કે ફારૂક અબ્દુલ્લાહે પાકિસ્તાનની તરફેણ કરી ભારતનું અપમાન કર્યું છે તેથી તેમની તાત્કાલિક ધરપકડ કરી પગલાં લેવા જોઈએ.
મુખ્ય ન્યાયમૂર્તિ ગીતા મિત્તલ અને ન્યાયમૂર્તિ સી.હરીશંકરની ખંડપીઠે અરજીની સુનાવણી બાદ કોર્ટે કહ્યું કે, આ મુદ્દે તે કોઈ કાર્યવાહીનો આદેશ આપી શકે નહીં. અરજદારે જે તે મંત્રાલય સમક્ષ રજૂઆત કરવી જોઈએ. ત્યારબાદ કોર્ટે જાહેર હિતની અરજી રદ કરી હતી.
સાંસદ ફારૂક અબ્દુલ્લાહે તા.૧૧ નવેમ્બરે એક નિવેદન કરી કહ્યું હતું કે, પાકિસ્તાન હસ્તકનું કાશ્મીર પાકિસ્તાનનું છે. જ્યારે ભારત હસ્તકનું કાશ્મીર ભારતનું છે. ગમે તેટલા યુદ્ધ કરવા છતાં સ્થિતિ બદલાવાની નથી.
અરજદારના વકીલ નવલકીશોર ઝાએ કહ્યું કે, નેશનલ કોન્ફરન્સના નેતાએ દેશદ્રોહી નિવેદન કરી ગુનો કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks