(એજન્સી) શ્રીનગર, તા. ૧૭
જમ્મુ-કાશ્મીરમાં આવેલા રાજૌરીમાં એલઓસી નજીક પાકિસ્તાને સોમવારે કોઇ ઉશ્કેરણી વિના ફાયરિંગ કરીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરતા એક ભારતીય જવાન શહીદ થયો હતો અને સરહદ નજીક આવેલા ગામમાં એક પાંચ વર્ષની બાળકી પણ આ હુમલાનો શિકાર બનતા મોતને ભેટી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનના યુદ્ધવિરામ ઉલ્લંઘનનો વળતો જવાબ આપતા પાકિસ્તાની સૈનિકો ફાયરિંગ કર્યું હતું જેના કારણેના ચાર સૈનિકો નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. આ સાથે ભારતીય સેનાએ પાડોશી દેશના યુદ્ધવિરામ ઉલ્લંઘન સામે બદલો લેવાનો અધિકાર જાળવી રાખ્યો હતો.
અહેવાલો અનુસાર શહીદ જવાનનું નામ નાયક મુદસ્સર અહમદ છે, ગોળીબારમાં ૫ વર્ષની બાળકી સાજિદા કાફિલનું પણ મોત થયું હતું. આ ઉપરાંત બે અન્ય નાગરિકો પણ ઘવાયા હતા. સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં શાળાઓ અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવામાં આવી છે અને ગોળીબાર ઓછો થતા અહીંથી નાગરિકોને ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. પાકિસ્તાની સેનાએ એલઓસી પર પૂંચના બાલાકોટ અને રાજૌરીના મંજાકોટમાં ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ભારતીય સૈનિકોએ પણ વળતો જવાબ આપ્યો હતો. અહેવાલો અનુસાર ભારતીય સૈનિકોએ તેમના વાહનો પર હુમલો કરતા જેના કારણે તેમના ચાર જવાન નદીમાં ડૂબી ગયા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે રવિવારે આરોપ લગાવ્યો હતો કે, નીલમ ખીણમાં પાકિસ્તાની સેનાની જીપ પર ભારતના ગોળીબારે ચાર સૈનિકોને ડૂબાડીને મારી નાખ્યા હતા. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ ગફૂરે જણાવ્યું કે, પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીર પીઓેકેમાં મુઝફ્ફરાબાદથી ૭૩ કિલોમીટર દૂર આવેલા આઠ મુકામમાં નીલમ નદી પાસે ચાલી રહેલા વાહનોને નિશાન બનાવ્યા હતા. ભારતીય સેના અનુસાર પાકિસ્તાની સૈનિકોએ કોઇ ઉશ્કેરણી વિના ભારતીય સેનાની અંતિમ ચોકીઓને ટાર્ગેટ બનાવી હતી. બપોરે ૨.૩૦ કલાકની આસપાસ તેમણે નાના હથિયારો જ નહીં પરંતુ મોર્ટાર ગોળા પણ ફેંક્યા હતા. જે બાદ ભારતે વળતો જવાબ આપતા પાકિસ્તાની સૈનિકોને નિશાન
બનાવ્યા હતા.