(એજન્સી) તા.૧૮
કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જ્યાં સુધી પાકિસ્તાન ભારતને અસ્થિર કરવાના મકસદથી સીમાપાર ત્રાસવાદને સહાય અને સમર્થન આપવાનું બંધ નહીં કરે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઇપણ વાતચીત કરવાની શક્યતાને નકારી કાઢી હતી.
તેલંગાણા મુક્તિદિન સમારોહ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતની નીતિ પાડોશીઓ સાથે એખલાસભર્યા સંબંધો જાળવાવની છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો મને એવું સૂચન કરે છે કે આપણે પાકિસ્તાન સાથે વાતચીત કરવી જોઇએ. હું એ કહેવા માગંુ છું કે અમે કોઇની પણ સાથે વાત કરવા તૈયાર છીએ પરંતુ પાકિસ્તાન એ વાતને સમજવા અસમર્થ છે કે જ્યાં સુધી સીમાપારથી પ્રેરિત આંતકવાદ દ્વારા ભારતને અસ્થિર અને કમજોર કરવાના પ્રયાસો બંધ નહીં કરે ત્યાં સુધી તેની સાથે વાતચીત કરવાનો કોઇ અર્થ નથી.
વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારોહમાં પાકિસ્તાન સહિત તમામ પાડોશી દેશોના વડાપ્રધાનોનેે આમંત્રિત કરવા અંગે પણ રાજનાથસિંહે ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેની પાછળનો વિચાર એ હતો કે તેમની સાથે સારા સંબંધો કેળવવામાં આવે. અમે તેમને માત્ર હસ્તધૂનન કરવા બોલાવ્યા ન હતા પરંતુ એખલાસભર્યા સંબંધો કાયમ કરવા માટે બોલાવ્યા હતા. રાજનાથસિંહે જણાવ્યું હતું કે સરકાર દેશમાં અસ્થિરતા ફેલાવતી તમામ પ્રવૃત્તિને રોકવા કટિબદ્ધ છે.
તેમણે આક્ષેપ કર્યો હતો કે પાકિસ્તાન યુદ્ધવિરામ સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ગૃહપ્રધાને જણાવ્યું હતું કે પાકિસ્તાને આપણા દેશમાં આતંકીઓને મોકલવાનું શરૂ કર્યુ. પાકિસ્તાન યુદ્ધવિરામ સમજૂતીનો ભંગ કરી રહ્યંુ છે. હું તમને ખાતરી આપંુ છું કે અમે આતંકવાદ, કટ્ટરવાદ અને નક્સલવાદ બધાને ખતમ કરી નાખશું. રાજનાથસિંહે વધુમાં જણાવ્યું હતું કે સરહદે સ્થિતિ બદલાઇ ગઇ છે કારણ કે ભારતે હવે દુશ્મનને જડબાતોડ જવાબ આપવાનું શરૂ કરી દીધું છે.
તેમણે જણાવ્યું હતું કે આજે તેલંગાણા મુક્તિદિને આપણે સંકલ્પ કરવો પડશે કે આપણે જ્ઞાતિ, જાતિ અને ભાષાના આધારે વિભાજિત થઇશું નહીં. જે લોકો દેશને નબળો પાડવાની કોશિશ કરી રહ્યા છે તેઓ રાષ્ટ્રવિરોધી બળો છે. હું તમને ખાતરી આપંુ છું કે વિશ્વની કોઇ પણ સત્તા ભારતને કમજોર કરી શકશે નહીં.