(એજન્સી) ચેન્નઇ, તા. ૨૫
તમિળનાડુ વિધાનસભામાં ગયા વર્ષે પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ અન્નાદ્રમુકના ૧૮ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવતા ગૃહના સ્પીકરના નિર્ણયને ગુરૂવારે મદ્રાસ હાઇકોર્ટે પણ બહાલી આપતા અન્નાદ્રમુક સરકારને રાહત થઇ છે. અન્નાદ્રમુક દ્વારા મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાને આવકારવામાં આવ્યો છે. હાઇકોર્ટના ચુકાદા બાદ એક ટિ્વટમાં અન્નાદ્રમુકે જણાવ્યું કે હાઇકોર્ટનો ચુકાદો બળવાખોરો માટે એક બોધપાઠ છે. આ ચુકાદાથી લોકશાહીનો વિજય થયો છે. હાઇકોર્ટના આ ચુકાદાથી ટીટીવી દિનાકરન જૂથને ભારે આંચકો લાગ્યો છે. પક્ષાંતર વિરોધી કાયદા હેઠળ ગયા વર્ષે બળવાખારો ૧૮ ધારાસભ્યોની અન્નાદ્રમુકમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. મદ્રાસ હાઇકોર્ટ દ્વારા જૂન મહિનામાં વિભાજિત ચુકાદો આપવામાં આવ્યા બાદ સુપ્રીમકોર્ટ દ્વારા આ કેસમાં જસ્ટિસ એમ. સત્યનારાયણનને જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ નારાયણને બંને પક્ષોની રજૂઆતો સાંભળી હતી અને તમિળનાડુ વિધાનસભાના સ્પીકર પી.ધનપાલના આદેશમાં કોઇ નબળાઇ જણાઇ ન હતી. ધારાસભ્યોને ગેરલાયક ઠરાવતા સ્પીકરના નિર્ણયને બહાલી આપતી વખતે જસ્ટિસ સત્યનારાયણને જણાવ્યું કે સ્પીકર દ્વારા આપવામાં આવેલા આદેશ વખતે ઉપલબ્ધ બધી વિગતો ધ્યાનમાં લેવામાં આવી હતી અને આ કોર્ટ ઇવેન્ટ પછીની ઘટનાઓની તપાસ કરી શકે નહીં. શશીકલા-દીનાકરન જૂથને સમર્થન આપી રહેલા ધારાસભ્યોએ ગયા વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન ઇ પલાનીસ્વામીમાં અવિશ્વાસ વ્યક્ત કર્યા બાદ પક્ષાંતર વિરોધી કાયદા તરીકે જાણીતા બંધારણના ૧૦મા પરિશિષ્ટ હેઠળ સ્પીકર દ્વારા ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. ત્યાર પછી બળવાખોર ધારાસભ્યોએ ગૃહના સ્પીકરના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. દરમિયાન, મદ્રાસ હાઇકોર્ટના ચુકાદા અંગે દીનાકરને જણાવ્યું કે કોર્ટનો ચુકાદો અમારા માટે કોઇ ફટકો નથી. આ એક અનુભવ છે અને અમે પરિસ્થિતિનો સામનો કરીશું. ૧૮ ધારાસભ્યની બેઠક યોજાયા બાદ ભાવિ પગલા યોજના અંગે નિર્ણય લેવામાં આવશે.