બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર હાઈવે સ્થિત કોલેજની સામે પાલનપુરના માનવતાવાદી યુવાન નદીમ પઠાણે માનવતાની દીવાલ બનાવી છે. જ્યાં લોકો ઘરની જૂની વસ્તુઓ મૂકી જાય છે અને આ વસ્તુઓ ગરીબો-લાચારો ભીખ નથી માંગી શકતા તેવા લોકો આ વસ્તુઓ લઈ જાય છે. પાલનપુરમાં વ્યવસાયે જીમટ્રેનર યુવાન નદીમ પઠાણના સમાજમાં પ્રેરણારૂપ ગરીબોને મદદ કરવાનો અનોખો વિચારને શહેરીજનો બિરદાવી રહ્યા છે. આ અંગે નદીમ પઠાણે જણાવ્યું કે, જમશેદપુર ખાતે પાવરલીફટીંગ સ્પર્ધામાં રમવા ગયેલ ત્યાં મેં આવું બોર્ડ જોયું હતું. જેના પરથી પ્રેરણા લઈ મેં પાલનપુરમાં માનવતાની દીવાલ બનાવી છે. જ્યાં ઘરમાં જૂના કપડા તથા અન્ય વસ્તુઓ લોકો મૂકી જશે અને ગરીબ લાચાર લોકો આ દિવાલ પર ટીંગાડેલ વસ્તુઓ લઈ જઈ શકશે. વધુમાં જણાવ્યું કે, બનાસકાંઠાના અન્ય ગામોમાં પણ આવી માનવતાની દીવાલ બનાવવી છે. નદીમના આ માનવતાવાદી કાર્યથી શહેરીજનોમાં ભારે લોકચાહના મેળવી છે.
(તસવીર : અખ્તર ચૌહાણ, પાલનપુર)