પાલનપુર,તા.૧૮
ગુજરાત રાજયમાં મુસ્લિમ સમુદાયના રક્ષણ અને ઉત્થાન તથા રાજયમાં લઘુમતી આયોગની રચના કરવાની માગ સાથે આજરોજ માઈનોરિટી કોડિનેશન કમિટી ગુજરાતના નેજા હેઠળ અને મો.ઈમરાન ભાગળની આગેવાનીમાં બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર સુપરત કરી મુસ્લિમ સમુદાયને સ્પર્શતા આઠ મુદ્દાઓની માંગ સાથે રજૂઆત કરાઈ હતી.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાજયમાં મુસ્લિમોની વસ્તી ૯.૭ ટકા છે રાજય વર્ષોથી આંતરિક વિસ્થાપનનું સાક્ષી રહ્યું છે. કોમી તોફાનોમાં લગભગ ર લાખ લોકો વિસ્થાપિત થઈને મોટા શહેરોમાં વસેલા છે. જેમાં સૌથી વધુ પ્રભાવિત મુસ્લિમ સમુદાય છે. સરકાર સમિતિની ભલામણ અનુસાર મુસલમાનોમાં બીજા સમુદાય કરતા વધુ ગરીબી છે. રાજયમાં લઘુમતી ભેદભાવના શિકાર છે.સરકાર સમિતિની ભલામણ પછી વર્ષ ર૦૦૬માં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના થઈ જેનો મુખ્ય ધ્યેય લઘુમતી સમુદાયને મુખ્ય ધારામાં લાવવાનો છે. જે માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જો કે લઘુમતી મંત્રાલય ભારત સરકારના આંકડા મુજબ ગુજરાત સરકારમાં આ યોજનાઓની અમલવારી શૂન્ય છે. ગુજરાતમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયના સ્થાપના કરવામાં આવી નથી. તથા રાજયના બજેટમાં લઘુમતી ઉત્કર્ષ માટે અલગથી કોઈ નકકર ફાળવણી પણ કરવામાં આવી નથી. દેશમાં વિવિધ સમુહોની ફરિયાદની નિવારણ અને વિકાસ માટે આયોગોની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં લઘુમતી આયોગની સ્થાપના કરવામાં આવી નથી. આવેદનપત્રમાં આઠ મુદ્દાઓ રજૂ કરી માગણી કરી હતી.
(૧) રાજ્યમાં બજેટમાં લઘુમતીના વિકાસ માટે જોગવાઈ કરવામાં આવે.
(ર) રાજ્યમાં લઘુમતી સરકારી હાયર સેકન્ડરી શાળા સ્થાપવામાં આવે.
(૩) રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરવામાં આવે.
(૪) રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે.
(પ)મદ્રસા ડિગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે.
(૬) લઘુમતીઓના ઉત્થાન માટે વિશેષ પેકેજ આપવામાં આવે.
(૭) કોમી તોફાનોમાં વિસ્થાપિતોને પુનઃ સ્થાપન માટે પોલીસીની રચના કરવામાં આવે.
(૮) પ્રધાનમંત્રીના ૧પ સૂત્રિય કાર્યક્રમની સંપૂર્ણ અમલવારી કરવામાં આવે.