પાલનપુર, તા.૧૯
પાલનપુર સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની ગઝલો-કવિતા અને શાયરીઓથી જાણીતા પાલનપુરના જાણીતા કવિ-ગઝલકાર ‘યુગ પાલનપુરી’ આજે ટૂંકી બીમારી બાદ જન્નતનશીન થતા તેમના પરિવાર સહિત પાલનપુરમાં ભારે શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
“જમાનાને સુવાસિત સદ્ગુણો અર્પણ કરી ચાલ્યા
કે દુનિયા સાંભળે સદિયો લગી યુગની કથાઓને”
કવિ યુગ પાલનપુરીના તાજેતરમાં જ પ્રસિદ્ધ થયેલ કાવ્ય સંગ્રહ ‘કુંજગલી’માં તેમણે આ ગઝલ લખી આ ફાની દુનિયાથી અલવિદા થઈ ગયા. યુગ સાહેબનો
‘કુંજગલી’ કાવ્યસંગ્રહ ખૂબ જાણીતું બન્યું હતું. જેમાં તેમણે એકથી એક ચઢિયાતી ગઝલો લખી વાંચકોને રસતરબોણ કર્યા હતા.
“દુનિયા હમારી ક્યું ભલા ફરિયાદ કરેગી, બેઠે હૈ જીસ જગા વો જગા યાદ કરેગી
ઔરો કે લિયે જીયે જો મરને કે બાદભી, દુનિયા હસીન ઉનકો યાદ કરેગી”
મર્હુમ ઈબ્રાહીમભાઈ અહેમદહુસેન કુરેશી યુગ પાલનપુરીના તખલ્લુસથી જાણીતા હતા. આજરોજ સવારે દફનવિધિમાં પાલનપુરના જાણીતા ગઝલકાર-કવિ મુસાફિર પાલનપુરી-મૌલીક પાલનપુરી-બાગી પાલનપુરી સહિત શહેરના અન્ય હિન્દુ-મુસ્લિમ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મર્હુમ યુગ પાલનપુરી ‘ગુજરાત ટુડે’ના ખૂબ જ પ્રશંસક હતા. તેમની ગઝલો અવારનવાર ‘ગુજરાત ટુડે’ની રવિપૂર્તિ મેઘધનુષમાં પ્રસિદ્ધ થતી હતી. મર્હુમ યુગ પાલનપુરીની ઝિયારત-બેસણું શુક્રવાર તા.ર૧/૭/૧૭ના રોજ સવારે ૯ વાગે તેમના નિવાસસ્થાન ભક્તોની લીંમડી-હાજીફળી ખાતે રાખેલ છે.