Ahmedabad

પાલડીની મુસ્લિમ સોસાયટીઓના મુખ્ય દરવાજા ઉપર લાલ ચોકડીના નિશાનો લાગતાં ચકચાર

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારમાં મુસ્લિમોની સોસાયટીઓમાં લાલ કલરની ચોકડીની નિશાની કરાઈ હોવાથી ચકચાર મચી ગઈ છે. ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ત્યારે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવાઈ રહી હોવાની લોકચર્ચા વેગવંતી બની છે. આ બાબત અંગે પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરના પાલડી વિસ્તારમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમ ભાઈઓ સાથે રહે છે પરંતુ કોણ જાણે કોઈને આ હિન્દુ-મુસ્લિમોની એકતા આંખમાં કણાની જેમ ખૂંચે છે કે શું ? કે પછી ચૂંટણી ટાણે કોઈ રાજકીય પાર્ટી દ્વારા કે પછી કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા પાલડીમાં મુસ્લિમ સોસાયટીઓની બહાર લાલ કલરથી ક્રોસની એટલે કે, ચોકડીની નિશાની કરવામાં આવી છે. અમદાવાદમાં મુસ્લિમ સોસાયટીઓ પર લાલ ક્રોસના નિશાન જર્મનીના નાઝી (હિટલર) જેવા ચૂંટણીમાં ધબડકો થવાની બીકે ૮પ% વી. ૧પ% ભાગલાની નીતિને શરણે ? પાલડીની અમન કોલોની, કોર્નર વ્યુ કો-ઓપરેટિવ સોસાયટી, ટાગોર ફલેટ, સાહીલ ફલેટ, નશેમન એપાર્ટમેન્ટ, આશિયાના એપાર્ટમેન્ટ સહિત ઘણી બધી સોસાયટીઓના મુખ્ય દ્વાર પાસે ચોકડીનું નિશાન લગાવીને મુસ્લિમ સોસાયટીઓની આગવી ઓળખ ઊભી કરવામાં આવી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કે, આ અંગે પોલીસને જાણ થતાં ઝોન-૭ના ડીસીપી આર.જે.પારઘી અને એમ.ડિવિઝનના એસીપી વી.જી.પટેલ સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો. તેઓ મુસ્લિમ સોસાયટીઓના મુખ્ય દરવાજા ઉપર લાગેલા ચોકડીના નિશાન અંગે સ્થાનિક રહીશોની પૂછપરછ કરી તપાસ આદરી હતી. જો કે આ અંગે ગુજરાત ટુડેએ સ્થાનિકોની પૂછપરછ કરી હતી. જેમાં એક સ્થાનિક મોહમ્મદ અલી પઠાણે જણાવ્યું હતું કે અમે વર્ષોથી અહીંયા રહીએ છીએ પરંતુ કોઈ દિવસ આવા નિશાન અમારી સોસાયટીની બહાર કોઈ દિવસ લાગ્યા નથી. જો કે ચૂંટણીના માહોલમાં વાતાવરણ ડહોળવા માટે જ આ પ્રયાસ કરાયો હોય તેવું લાગી રહ્યું છે. તો સ્થાનિક વલીમોહમ્મદ ઈસાનીએ જણાવ્યું હતું કે મુસ્લિમોની સોસાયટીના દરવાજા ઉપર નિશાની કરનારાઓના ઈરાદા શું છે ? તે અંગે પોલીસે તટસ્થ તપાસ કરીને આ નિશાની કરનારાઓને પકડીને ખુલાસો કરવો જોઈએ. જો કે, પાલડીમાં વર્ષોથી હિન્દુ-મુસ્લિમ સમાજ એક સાથે હળી-મળીને જ રહે છે. અત્રે નોંધનીય છે કે, બે દિવસથી પાલડીના મહાલક્ષ્મી પાંચ રસ્તાના સર્કલે પાલડીને જુહાપુરા થતું અટકાવો, લખાણ લખેલું બેનર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પાલડીની મુસ્લિમ સોસાયટીઓના દરવાજા ઉપર ચોકડીની નિશાની કરાતા કોઈ ચોક્કસ લોકો દ્વારા જ આ હરકત કરવામાં આવી હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે હાલ તો પોલીસે મૌખિક તપાસ કરી છે પરંતુ આ વિસ્તારના સીસીટીવી કેમેરાની તપાસ થાય તો આ નિશાની કરનારા કોણ છે ? તેમનું પગેરૂ મળી શકે તેમ છે તેવું પણ હાલ ચર્ચાઈ રહ્યું છે.
તિસ્તા સેતલવાડ અને આર.બી.શ્રીકુમાર દ્વારા ચૂંટણી પંચમાં ફરિયાદ


તા.૧૩
સિટિઝન ફોર જસ્ટિસ એન્ડ પીસના સચિવ તિસ્તા સેતલવાડ અને ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી.શ્રીકુમારે ચૂંટણી પંચને ફરિયાદ કરતો પત્ર લખ્યો છે જેમાં અમદાવાદના ઘણા વિસ્તારોમાં મકાનો પર ક્રોસ માર્કિંગ કરવા અંગે નાગરિકોએ ભારોભાર નારાજગી દર્શાવી છે. મહત્ત્વની વાત એ છે કે, આ માર્કિંગ જ્યાં મુસ્લિમ લઘુમતી લોકો રહે છે તેવી સોસાયટીઓમાં કરવામાં આવ્યા છે. આ નિશાન સૂચક રીતે કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવાયું છે કે આના કારણે લઘુમતી સમાજના લોકોમાં અસુરક્ષા અને ડરનો માહોલ છવાયો છે. વર્ષ ર૦૦રમાં પણ તોફાનો પહેલાં અમદાવાદ અને રાજ્યભરમાં આજ રીતે નિશાન કરાયા હતા. આ અંગે અમે ચૂંટણી પંચને તપાસ તથા નિર્દેશ કરવા અપીલ કરીએ છીએ કે આની પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરવામાં આવે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  AhmedabadGujarat

  વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

  રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
  Read more
  Ahmedabad

  અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચતા જ ATSએ તેમની કરી ધરપકડISIS સાથે સંકળાયેલ શ્રીલંકાના ચાર શંકાસ્પદ આતંકવાદીઓને ઝડપી લેવાયા

  ATSના ડીવાયએસપીને ૧૮ મેએ બાતમી મળ…
  Read more
  AhmedabadGujarat

  માવઠાના માર બાદ અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત : સુરેન્દ્રનગરમાં પારો ૪૪.૭ ડિગ્રી

  ડીસામાં ૪૪.૪, અમદાવાદમાં ૪૪.ર અને…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.