(સંવાદદાતા દ્વારા) પાલેજ, તા. ૪
પાલેજ ૫ંથકમાં ધોધમાર વરસાદનાં પગલે ગત રાત્રે પાલેજ માકણ રોડ ઉપર એક આંબલીનું તોતીંગ લીલું ઝાડ તેમજ ગામ અડધા ઉપર ગામને પીવાનું પાણી પુરુ પાડતી વોટર વર્કસની ૫૫ હજાર લીટર પાણીની ટાંકીની સીડી ધરાશાયી થઈ જતાં મોટુ નુકસાન થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ પંથકમાં ચોમાસાની શરૂઆત ખૂબ જ આક્રમકઃ પવન અને વરસાદ સાથે થઈ છે. મગળવારે મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પડવાનો શરૂ થયો હતો. ત્યારે મોડી રાત્રે બાર વાગ્યાનાં અરસામાં અચાનક આંબલીનું ઝાડ અને થોડા જ અંતરે પાણીની તોતીંગ ટાંકીની સીડી તૂટી પડી હતી. પાલેજમાં પાણીની સમસ્યા સર્જાય એવી ભીતિ ઊભી થઈ છે. સીડી સાથે ઉપર સુધી નવા બોર વેલની ટાંકીમાં પાણી પહોંચાડતાં પાઇપ ધરાશાયી થઈ જતાં પાણીના પુરવઠામાં રુકાવટ ઊભી થઈ છે. એક જૂના બોરની પાઇપ ટાંકીની વચ્ચેથી ઉપર જતાં હોય તે બચી જવા પામી છે. પંચાયતના સરપંચે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જે મુજબ વાસમો યોજના હેઠળ મંજૂર થયેલ પાણીની ટાકીની કામગીરી આગળ વધારવા રજૂઆત કરી છે. આજથી એક જ જૂના બોર વેલનું પાણી ટાંકીમાં નાખી શરૂ કરાતાં પાણી ઓછા પ્રેસરથી મળશે એમ પંચાયત સદસ્ય સલીમ વકીલે જણાવ્યું હતું.
વધુ માહિતી મુજબ પાલેજ માકણ રોડ ઉપર જીનનાં કમ્પાઉન્ડમાં વર્ષો જૂનું તોતિંગ આંબલીનું ઝાડ ગત રાત્રિનાં બાર વાગ્યાનાં અરસામાં વરસાદ અને પવનનાં સુસવાટામાં જમીન દોસ્ત થઈ ગયું હતું. આંબલીનાં છાયામાં મુકેલ પરચૂરણ ધંધાની બે કેબીનોનો ભૂકો બોલી ગયો હતો. અહીં નીચેથી પસાર થતાં વીજ કેબલ ઉપર તૂટી પડેલાં ઝાડનાં તોતીંગ ડાળખા પડતાં વીજ પ્રવાહ બે કલાક ખોરવાય જતાં મધ્યરાત્રે લોકો પરેશાન થઈ ગયાં હતાં. વીજકર્મીઓએ સતત એકલા હાથે મહેનત કરી વીજ પ્રવાહ પુનઃ રાત્રે બે વાગ્યાનાં અરસામાં ચાલુ કરાતા લોકોને હાશકારો થયો હતો.