કોડીનાર, તા.૧૩
કોડીનાર તાલુકાના આણંદપુર ગામની સરકારી શાળા નજીક દુછાણા માધ્યમિક શાળાના શિક્ષકે સરકારી જમીનમાં મોટાપાયે દબાણ કરી સરકારી જમીનમાં દીવાલ ઊભી કરતા વરસાદી પાણીનો નિકાલ થતો ન હોય, શાળાના ગ્રામીણ રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા હોય સરકારી જમીનમાંથી દબાણો દૂર કરી વરસાદી પાણીનો નિકાલ કરવા આણંદપુર ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા વિકાસ અધિકારી દબાણ શાખા ગીર-સોમનાથને રજૂઆત કરવામાં આવી છે. આણંદપુર ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ દુછાણા માધ્યમિક શાળાના શિક્ષક હરીભાઈ કુંભાભાઈ બારડે આણંદપુર ગામે તેમની માલિકીની જમીનની આગળ વધી શાળાની પાછળના ભાગે અને શાળાને ફરતે સરકારી જમીનમાં દીવાલ મારી મોટાપાયે દબાણ કરતા વરસાદી પાણીનો નિકાલ થયો ન હોય શાળાના રસ્તા અને ગ્રામ્યમાં પાણી ભરાઈ જતાં દબાણના કારણે વરસાદી પાણીનો કુદરતી રીતે નિકાલ થતો ન હોય શાળાના કાર્યોમાં વિક્ષેપ ઊભો થવાની સાથે સતત પાણી ભરાઈ રહેવાને કારણે પાણીમાં મચ્છરોનો ઉપદ્રવો ઊભા થયા હોય તેનો ભોગ બાળકો બની રહ્યા છે ત્યારે કોઈ ગંભીર બીમારીઓનો બાળકો ભોગ બને તે પહેલાં આ દબાણો દૂર કરવા આણંદપુર ગ્રામ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી છે.