Ahmedabad

રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી : ૩૧ જુલાઈ સુધી પીવાનું પાણી પૂરૂં પાડી શકાશે

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૩૦
રાજ્ય સરકારની અણઆવડત, દીર્ઘદૃષ્ટિનો અભાવ અને યોગ્ય આયોજનના અભાવે રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. એક વર્ષના નબળા વરસાદે રાજ્ય સરકારના દાવાની પોલી ખોલી નાખી છે. આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરવાની છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજરોજ ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે રાજ્યમાં ૩૧મી જુલાઈ સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જો કે, પીવા સિવાય ઘર વપરાશના પાણી અંગે તેમણે કોઈ ફોડ પાડ્યો ન હતો. ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નબળુ રહ્યું હતું. આથી ડેમોમાં પુરતા પાણીની આવક થઈ ન હતી.
બીજું રાજ્ય સરકાર નર્મદ ડેમ, જળસંચળ, સુજલામ્‌ સુફલામ્‌ યોજના સહિત પાણીની યોજનાઓ પાછળ કરોડો અબજો રૂપિયાનો ખર્ચો કરાયો હોવાનો દાવો કરતી હોવા છતાં એકાદ વર્ષ ચોમાસું નબળું પડ્યું નથી કે રાજ્યમાં પાણીની ગંભીર કટોકટી ઊભી થઈ જાય છે. દરમિયાન આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સુજલામ્‌ સુફલામ્‌ જળસંચળ અભિયાનને પુનઃ વેગવંતુ બનાવવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા.
ગુજરાતમાં સર્જાયેલી જળ કટોકટી અને ઘાસચારાને લઈ રિવ્યૂ બેઠક યોજ્યા બાદ મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હું ગુજરાતની જનતાને વિશ્વાસ આપવા માગું છું કે ૩૧ જુલાઈ સુધીમાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. જો કે, મુખ્યમંત્રીએ પીવાના પાણીની એવી સ્પષ્ટતા કરી હતી, પરંતુ ન્હાવા, કપડાં, ધોવા માટે ઘર વપરાશનું પાણી ક્યાંથી આવશે ? તે અંગે કંઈ કહ્યું નહોતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી પછી આચારસંહિતા દૂર થતાં રાજ્યમાં ગરમી વધવાને કારણે પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે રિવ્યૂ બેઠક મળી હતી. જો આપણી પાસે નર્મદાનું નેટવર્ક ન હોત તો સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પાણીની ગંભીર સ્થિતિ સર્જાઇ હોત. આ નેટવર્કની મદદથી આપણે રાજ્યમાં છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચાડ્યું છે. આપણે આજી ડેમ (રાજકોટ), રણજીત સાગર ડેમ (જામનગર) અને મચ્છુ ડેમ બે-બે વાર ભર્યા છે. તેમજ હજુ પણ જરૂર પડશે ત્યાં ડેમ ભરીને પાણી પહોંચાડીશું. કચ્છમાં કેટલ કેમ્પને ઘાસચારો પહોંચાડ્યો છે.
* રિવ્યૂ બેઠક બાદ પાણી પૂરવઠા વિભાગના અગ્ર સચિવ જે.પી. ગુપ્તાએ જણાવ્યું કે, ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૦ ટકા જ પાણીનો જથ્થો છે. કચ્છમાં માત્ર બે ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં માત્ર ૧૦ ટકા જ પાણીનો જથ્થો છે. સૌરાષ્ટ્રમાં બ્રાંચ કેનાલ મારફતે પાણીનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં નર્મદા ડેમમાંથી સૌરાષ્ટ્ર કેનાલમાં પાણી મોકલવાનો પ્લાન છે.
* હાલ રાજ્યના ૬૨ તાલુકાના ૨૫૮ ગામ અને ૨૬૩ ફળિયાઓ મળી કુલ ૫૨૧ વિસ્તારોમાં ૩૬૧ ટેન્કરોના ૧૫૮૧ ફેરાઓ મારફતે પાણી પુરૂં પાડવામાં આવી રહ્યું છે. કોઈપણ વિસ્તારમાં પાણીની તંગી સર્જાય તો તે વિસ્તારમાં ટેન્કરથી પાણી પહોંચાડવા સંબંધિત કલેક્ટરને સુચના આપવામાં આવી છે.
* ૪ જિલ્લાના ૧૫ જળાશયોમાં ૩૧૯ મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે ૫૯૨.૫૨ મિલિયન ક્યુબિક મીટર હતું. હાલ ઉત્તર ગુજરાતમાં માત્ર ૧૬.૬૦ ટકા જળસ્તર છે.
* નર્મદા પરનો સરદાર સરોવર ડેમ જીવાદોરી સમાન છે. ઉપરવાસના વરસાદને પગલે આ સ્થિતિ છે. ત્યારે રાજ્ય માટે નર્મદા ડેમ જીવાદોરી બની રહેશે. નર્મદા સરદાર સરોવરનું જળસ્તર ૫૦.૮૨ ટકા છે. એ સિવાય સુરેન્દ્રનગરના ધોળીધજામાં ૮૯ ટકા, મહીસાગરના વણાકબોરીમાં ૭૮ ટકા અને કડાણામાં ૫૪ ટકા, કચ્છના ટપ્પરમાં ૭૪.૮૭ ટકા, ભરૂચના ધોલીમાં ૬૫ ટકા અને પંચમહાલના પાનમમાં ૫૫ ટકા જળસ્તર છે.
* મધ્ય ગુજરાતના જળાશયોમાં ૧૧,૧૩૨ મિલિયન ક્યુબિક મીટર જળસ્તર છે. જે ગયા વર્ષે આ જ સમયે ૧૨૧૩ મિલિયન ક્યુબિક મીટર હતું. રાજ્યમાં સારી સ્થિતિ કહી શકાય તેવી મધ્ય ગુજરાતમાં જોવા મળે છે. અહીં ૧૭ જળાશયોમાં હજુ ૪૮.૨૨ ટકા જળસ્તર છે.
* પાણી મામલે દક્ષિણ ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. ૧૩ જળાશયોમાં ૨૪.૧૯ ટકા જળ છે. ગયા વર્ષે ૨૭૨૧ મિલિયન ક્યુબિક મીટર જળસ્તર હતું જે આ વર્ષે ૨૦૮૬ મિલિયન ક્યુબિક મીટર છે.