(એજન્સી) તા.ર૮
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતાં શિવસેનાએ શનિવારે કહ્યું હતું કે, મરાઠા અનામતને મંજૂરી આપવા માટે તેમની મંત્રીમંડળ સહયોગી પંકજા મુંડેને ફકત એક કલાક માટે રાજ્યના મુખ્યમંત્રી બનાવવા જોઈએ. ઉલ્લેખનીય છે કે, ગ્રામીણ વિકાસમંત્રી પંકજા મુંડેએ મરાઠા અનામત આંદોલનના મુદ્દે ફડણવીસ પર પરોક્ષ રીતે હુમલો કરતાં કહ્યું હતું કે જો તે રાજ્યની મુખ્યમંત્રી હોત તો આ મુદ્દા પર નિર્ણય લેવામાં વધારે સમય વ્યર્થ ન કરતી. શિવસેનાએ તેના મુખપત્ર સામનાના સંપાદકીયમાં કહ્યું હતું કે મુંડેના નિવેદનનો બીજો અર્થ એ છે કે, સરકાર મરાઠા અનામતની ફાઈલને લટકાવી દેવા માંગે છે. સામાનામાં કહેવામાં આવ્યું હતું કે જો પંકજા મુંડે કોઈ મુશ્કેલી વગર મરાઠા અનામત પર નિર્ણય કરી શકે છે તો સર્વસંમતિથી ઓછામાં ઓછા એકકલાક માટે તેમને મુખ્યમંત્રી બનાવવા જોઈએ. સામનામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે પંકજા મુંડેની ભૂમિકાને સમજવું પડશે. જો કોઈ આ સમજે છે કે આ મુદ્દા પર તે રાજકારણ રમી રહી છે તો તે ખોટું છે. જો તે વડાપ્રધાનના હસ્તક્ષેપનો આગ્રહ રાખે છે તો ફડણવીસ આવું કરવા માટે દિલ્હી કેમ નથી જઈ શકતા ? શિવસેનાએ વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતાં કહ્યું કે સામાન્ય રીતે વડાપ્રધાન મોદી દિલ્હીમાં હોતા નથી અને દેશ તેમજ રાજ્યના વિષયોમાં તેમને કોઈ રસ નથી. શિવસેનાએ કહ્યું હતું કે, આંદોલનને કચડી નાંખવું એ જ સરકારની નીતિ છે. શિવસેનાએ આ દલીલ માટે ગુજરાતના પાટીદાર આંદોલનનું ઉદાહરણ પણ આપ્યું હતું.