અંકલેશ્વર, તા.રપ
હાંસોટમાં શાબિર કાનુગાની હત્યાની ઘટનામાં તેઓના ફરિયાદી ભાઈ પર પાંચ જેટલા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, જેમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.
હાંસોટમાં ગત જૂન મહિનામાં શાબિર કાનુગાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, શાબિર કાનુગાનાં ભાઈ સાદિક કાનુગા દ્વારા હત્યાની ઘટનામાં હાંસોટ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી.
સાદિક કાનુગા પર તારીખ ૨૪મીના રોજ કોર્ટમાંથી ઘરે પરત ફરીથી વખતે પાનોલી રેલવે સ્ટેશન નજીક સમીર ઇબ્રાહિમ ખોખર, ઐયાઝ ખોખર, નાઝીમ ખોખર, અખ્તર શાહ અને મર્ડર કેસનો આરોપી પીન્ટુ આ પાંચ હુમલાખોરો બે એક્ટિવા ગાડી પર સવાર થઈને આવ્યા હતા, અને તેઓની સ્કોર્પિયો કાર પર ઐયાઝ ખોખરે બંદૂકમાંથી ફાયરિંગ કર્યુ હતું. પરંતુ સાદિક કાનુગાનો આ હુમલામાં બચાવ થયો હતો.
સાદિકે આ ઘટનામાં અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ઇસ્માઇલ ઉર્ફે પિન્ટુ ખોખર, નાઝીમ ઇબ્રાહિમ ખોખર, અખ્તર ઐયુબ શાહ, સમીર ઉર્ફે છીલો ઇબ્રાહિમ ખોખર, ઐયાઝ ઉર્ફે અજ્જુ શફી ઉર્ફે પપ્પુ ખોખર સામે ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વર તાલુકા પોલીસે સાદિકની ફરિયાદને આધારે પાંચેય આરોપીઓ વિરૂદ્ધ રાયોટિંગ તેમજ આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જેમાં પોલીસે પાંચ પૈકી સમીર ઉર્ફે છીલો ઇબ્રાહિમ ખોખર અને ઐયાઝ ઉર્ફે અજ્જુ શફી ઉર્ફે પપ્પુ ખોખરની ધરપકડ કરીને આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથધરી છે, અને ઘટનામાં હજી ફરાર ત્રણ આરોપીઓની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.