અમદાવાદ, તા.૧૧
ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગાંધીધામ ગોડાઉન કે જ્યાં સૌથી પહેલાં આગ લગાડવામાં આવી હતી તે ગોડાઉન ખાતે મગફળી કાંડમાં સંડોવાયેલાઓને સજા થાય અને રૂા.૪ હજાર કરોડના મગફળી કૌભાંડની ન્યાયિક તપાસ થાય તે માગ સાથે પ્રતીક ધરણા યોજ્યા હતા.
વિરોધ પક્ષના નેતાએ જણાવ્યું છે કે, જામજોધપુર મંડળીન ૭૩૪પ૪ ગુણી અને મોટી ધાણેજ મંડળીની ૩૧૬૮પ ગુણી હલકી ગુણવત્તાની મગફળીનો જથ્થો જેતપુર તાલુકાના પેઢલા ખાતે એક જ ગોડાઉનમાં સંગ્રહ કરવામાં આવ્યો હતો. પરંતુ ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટતા જ મોટી ધાણેજ મંડળીના તમામ હોદ્દેદારોને ધકેલી દીધા. જેલમાં તો પછી જામજોધપુર મંડળીના હોદ્દેદારો હજુ શું કામ કરે છે મહેલમાં ? જામજોધપુર વિવિધ કાર્યકારી સેવા મંડળીના પ્રમુખ ભાજપ સરકારના પૂર્વ કૃષિ મંત્રી છે. સરકારની નીતિ અને નિયત સાફ હોય તો ઉચ્ચ ન્યાયપાલિકાના દેખરેખ હેઠળ તપાસ કરતા કેમ ડરે છે ? ગાંધીધામ ખાતે સૌથી પહેલાં આગ તા.ર/૧/ર૦૧૮ના રોજ લગાડવામાં આવી હતી. એટલે કે રર૧ દિવસ વીતી ગયા છતાં તપાસ કાગળ પર છે. રાજકોટની ભાગોળે આવેલા શાપર-વેરાવળમાં પાલ ઓટો નજીકના નેશનલ કોટન ખાનગી ગોડાઉન ગુજકોટ દ્વારા ભાડે રાખવામાં આવેલ હતા તેમાં રૂા.૪ કરોડથી વધુ રકમની ર૯,૦૦૦ ગુણી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીનું કૌભાંડ છતું ન થાય તે તેવી મેલીમુરાદ સાથે સમી સાંજે છઠ્ઠી મેના ૬ઃ૪પ કલાકે અગ્નિદાહ આપી દેવાયો હતો. જેનો અહેવાલ આવ્યો નથી. ગાંધીધામ ર જાન્યુઆરીના રોજ ગોડાઉનમાં લાગેલી આગનો રિપોર્ટ વિપક્ષ નેતાએ પ્રતીક ઉપવાસ કાર્યક્રમ જાહેર કરતા રર૦ દિવસ પછી એફએસએલ અને સરકાર હરકતમાં આવી અને તપાસના નામે નાટક શરૂ કર્યું. હજુ તો મોટા માથાને બચાવવા માટે સંત્રીથી લઈને મંત્રી કામે લાગ્યા છે.
હકીકતમાં ભાજપે ચૂંટણી સમયે વારંવાર ખેડૂતોને ખાત્રી આપી હતી કે, ઉત્પાદન ખર્ચ ઉપરાંત પ૦ ટકા એટલે કે ૧ર૦૦થી ૧પ૦૦ રૂપિયા મગફળીના મળશે. આ અંગે કૃષિમંત્રી જવાબ આપે કે ચૂંટણી સમયના વચનનું પાલન કેમ નહીં ? ખેડૂતને મગફળીના ૩૦૦થી ૪૦૦ રૂપિયા ઓછા કેમ આપ્યા ?
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી આવતીકાલે તા.૧ર-૮-ર૦૧૮ને રવિવારના રોજ સેન્ટ્રલ વેર હાઉસીંગ ગોડાઉન, હાપા રેલવે સ્ટેશન પાસે, જામનગર ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેેસી કાર્યકરો-આગેવાનો અને પ્રજાજનો સાથે મગફળી કાંડની ઉચ્ચ ન્યાયપાલિકાના સિટીંગ જજ દ્વારા તપાસ કરવાની માગણી સાથે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતીક ઉપવાસ-ધરણાં કરશે.