ગીરમાં પ્રવાસનને ઉત્તેજન ભલે આપો પણ સિંહોને માનવ અતિક્રમણ – હસ્તક્ષેપ મુકત કરો

અમદાવાદ, તા.૪
ગીર જંગલમાં ર૩ સિંહોના મોતને ધ્યાનમાં લેતાં વન્યજીવ પ્રેમી અને રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારને ગીરમાં એશિયાઈ સિંહોને વિશ્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવાર પૂરી પાડવા માટે આફ્રિકા, યુ.એસ. અને યુરોપમાંથી વિદેશી અનુભવી પશુચિકિત્સા નિષ્ણાંતોની ટીમ બોલાવવા માટે વિનંતી કરી છે.
નથવાણીએ જણાવ્યું હતું કે, ગીર નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યની બહાર સુધી ફેલાયેલા સિંહોની સંભાળ લેવા માટે કર્મચારીઓની સંખ્યા અપૂરતી છે. લગભગ ૧૬૭ જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારની બહાર છે અને દરેક ગાર્ડે ૧પ-ર૦ ગામડાં ફરવા પડે છે. તેમણે ઉમેર્યું હતું કે, ગીર અને બૃહ્‌દ ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતાં લગભગ ૩૦ ટકા જેટલા સિંહ સુરક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરે છે અને સરકારે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. આ સિંહો પર ગેરકાયદે લાયન શો અને અકુદરતી મોતનો ભય રહેલ છે.
તેમણે વધુમાં કહ્યું કે, સિંહોની સંખ્યાના પ્રમાણમાં તેમની સારવાર માટેની સુવિધા અપૂરતી છે. પશુ ચિકિત્સકોની સંખ્યા પણ એક કે બે જ છે. ખરેખર તો સિંહો માટે ખાસ ઈન્સેટિવ કેર એમ્બ્યુલન્સ પ્રકારની સુવિધા હોવી જોઈએ જેથી બીમાર કે ઘાયલ સિંહને ચિકિત્સા માટે લાવતા લાવતા એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરૂ કરી શકાય.
સરકાર પાસે જંગલમાં રખડતાં કૂતરાંઓના ત્રાસને રોકવા માટે પણ કોઈ યોજના નથી. જો સરકાર નીલગાયને મારવા અંગે વિચારણા કરી શકતી હોય તો કૂતરાંઓના ત્રાસને દૂર કરવા માટે પણ વિચારણા કરવી જોઈએ. નથવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગીરમાં પ્રવાસનને ઉત્તેજન આપવું તે સારી વાત છે પણ વન વિભાગે દેશમાં ટાઈગર રિઝર્વ્સમાંથી શીખ મેળવવી જોઈએ જ્યાં દરેક રિઝર્વમાં ટુરીઝમ કેપેસીટી ફોર્મ્યુલાના ઉપયોગથી વન્યજીવોને થતાં માનવ હસ્તક્ષેપને નિયંત્રિત કરવામાં આવે છે.
સિંહોના લાંબાગાળાના સંવર્ધનના ભાગરૂપે ઈકો-સેન્સિટીવ ઝોનનો વિસ્તાર વધારવો જોઈએ પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન વિભાગના સૂચન અનુસાર ઈકો-સેન્સિટીવ ઝોન સુરક્ષિત વિસ્તારથી ૧૦ કિલોમીટર સુધીનો હોઈ શકે છે. પરંતુ ગુજરાતમાં વિસ્તાર સુરક્ષિત વિસ્તારની સરહદથી માત્ર ૧૦૦-પ૦૦ મીટર જેટલો જ છે.

ગીર જંગલમાંથી થોડા સિંહોને જામનગર, પોરબંદર, વાંકાનેર નજીક ખસેડવા જોઈએ

ગીર જંગલ આસપાસના રેવન્યુ ક્ષેત્રમાંથી થોડા સિંહોને જામનગર પોરબંદરની પાસેના બરડા ડુંગરના જંગલ તથા વાંકાનેર પાસે સમપરા-વીરડીના જંગલમાં ખસેડવા જોઈએ કારણ કે આ જંગલ વિસ્તારોનું વાતાવરણ ગીરને મળતું આવે છે અને સિંહોને અનુકૂળ પણ છે. પરિમલ નથવાણી સિંહને ભારતના રાષ્ટ્રીય પ્રાણી તરીકે જાહેર કરવાના મુદ્દાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે ‘પ્રોજકેટ ટાઈગર’ અને ‘પ્રોજેક્ટ એલિફ્રન્ટ’ અનુસાર ‘પ્રોજેક્ટ લાયન’ શરૂ કરવાની અને ગીરમાં સિંહોના સંવર્ધન માટેના લાંબાગાળાના પ્રયાસ તરીકે માળખાકીય સુવિધાઓના નિર્માણ માટે વધારે નાણાં ફાળવવાની હિમાયત પણ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts