(એજન્સી) નવી દિલ્હી, તા.રર
પાડોશીની સાથે મારપીટ કરવાના આરોપમાં ફેશન ડિઝાઈનર રોહિત બલની ધરપકડ કરવામાં આવી છે. રોહિત બલ પર દારૂ પીને હોબાળો કરવાનો આરોપ છે. પાડોશીએ ફરિયાદ કર્યા બાદ તેમની વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રોહિત બલ પર આરોપ છે કે તેમણે દારૂના નશામાં પાડોશી સાથે ઝઘડો કર્યો અને ઘરમાં ઘૂસીને મારપીટ કરી. રોહિત સાથે તેના ત્રણ સાથી (ડ્રાઈવર, કૂક અને એક મિત્ર)ની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ પછી ચારેયને જામીન આપી દીધા છે. પોલીસે જણાવ્યું કે, રોહિતની તબીબી તપાસ કરવામાં આવી હતી જેમાં તે દારૂના નશામાં ધૂત હોવાની વાત પુષ્ટિ થઈ હતી. ડિફેન્સ કોલોની પોલીસ ચોકીમાં ધારા ૪ર૭, ૪પ૧ અને પ૦૬ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. રોહિત બલ પર આરોપ છે કે, તેણે પાડોશીને મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ૧૦ દિવસ પહેલાં પાર્કિંગ બાબતે પાડોશી ઈકબાલ સાથે તેમની બોલાચાલી થઈ હતી અને ગુરૂવારે રાત્રે તેમની વચ્ચે ઝપાઝપી પણ થઈ. ઉલ્લેખનીય છે કે, રોહિત બલ જાણીતા ફેશન ડિઝાઈનર છે. ફેશન ઈન્ડસ્ટ્રીઝથી લઈને બોલીવુડમાં તેઓ પ્રખ્યાત છે.