(એજન્સી) નવી દિલ્હી, તા. ૩૧
સમગ્ર દેશમાંથી ઘણા સિવિલ રાઇટ્સ કાર્યકરોની કરવામાં આવેલી ધરપકડને પગલે ૩૦મી ઓગસ્ટે જન એકતા જન અધિકાર દ્વારા પાર્લામેન્ટ સ્ટ્રીટમાં યોજવામાં આવેલી વિરોધ સભામાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા. વિરોધ સભામાં સનાતન સંસ્થા અને ટોળાકીય હિંસા કરતા આતંકવાદીઓ સામે પગલા ભરવાની માગણી કરવામાં આવી હતી. ભીમા કોરેગાંવ હિંસામાં સંડોવણી બદલ અને માઓવાદીઓ સાથે સંબંધો હોવાના બહાના હેઠળ મંગળવારે માનવ અધિકાર કાર્યકરો, વકીલો સુધા ભારદ્વાજ, ગૌતમ નવલખા, અરૂણ ફેરેરા, વર્નોન ગોન્ઝાલ્વિસ અને લેખક તેમ જ માઓવાદી વિચારક પી.વરવરા રાવના નિવાસસ્થાને દરોડા પાડીને તેમની ધરપકડ કરવામાં આવી છે. એટલું જ નહીં, આ કાર્યકરોના ઘણા સગાવાળાઓના નિવાસે પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સુપ્રીમકોર્ટના આદેશને પગલે આ કાર્યકરોને તેમના ઘરે નજરકેદ હેઠળ રાખવામાં આવ્યા છે. પાર્લામેન્ટ સ્ટ્રીટમાં યોજવામાં આવેલી સભામાં વિભિન્ન વય જૂથના વિદ્યાર્થીઓ અને સંગઠન સાથે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા કાર્યકરોને છોડી દેવાની માગણી કરવા માટે દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં પણ આવી વિરોધ સભાઓ યોજવામાં આવી હતી. આવી સભાઓમાં લોકોને ‘સ્ટોપ વિચ હન્ટિંગ ઓફ સિવિલ રાઇટ્સ એક્ટિવિસ્ટ્સ’ અને ‘રિલીઝ ધ એરેસ્ટેડ એક્ટિવિસ્ટ્સ નાવ ! વિથડ્રો ધ ફોલ્સ કેસિસ’ જેવા સૂત્રો સાથેના બેનર્સવાળા લોકોને જોવામાં આવ્યા હતા. સીપીઆ્રૂએમ)ના પોલિટ બ્યૂરોના સભ્ય બિન્દ્રા કરાતે જણાવ્યું કે દેશમાં નફરતનો માહોલ સર્જવા માટે મોદીજી દ્વારા પસંદ કરવામાં આવેલી કેટલીક મીડિયા ચેનલ્સ પણ એટલી જ જવાબદાર છે અને દેશમાં નફરતનો માહોલ પેદા કરવામાં મીડિયા ચેનલ્સની સામેલગીરી અત્યંત આઘાતજનક છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે આ પક્ષની બાબત છે પરંતુ આ પ્રત્યેક સભ્ય નાગરિકની બાબત છે. આ સંપૂર્ણપણે ખોટા કેસો સામે વિરોધ કરવા માટે બહાર આવવાની અમે પ્રત્યેક નાગરિકને અપીલ કરીએ છીએ.