(એજન્સી) તહેરાન,તા.ર૧
ઇરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાનીએ અમેરિકા દ્વારા મૂકવામાં આવેલા નવા પરમાણુ પ્રતિબંધો અંગે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે ઇરાન તેનો યોગ્ય જવાબ આપશે. તેમણે કહ્યું કે તેમ છતાં ઇરાન વિશ્વ સત્તા સાથે થયેલા પરમાણુ સોદા અંગે પ્રતિબદ્ધ છે. કેબિનેટની બેઠકમાં હસન રૂહાનીએ કહ્યું કે ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન તેના આંતરરાષ્ટ્રીય કમિટમેન્ટ સાથે હંમેશા અડગ રહેશે. તેમણે કહ્યું કે તેમ છતાં જો અમેરિકા અગાઉથી કોઇ જાણ કર્યા વિના ઇરાન પર નવા પ્રતિબંધો મૂકી દબાણ વધારવા માગતું હોય તો અમેરિકા સાંભળી લે કે અમે તેનો યોગ્ય જવાબ પણ આપીશું. તેમણે આકરા પ્રહારો કરતાં કહ્યું કે અમેરિકીઓ દ્વારા ગુજારવામાં આવેલા દમન અને હિંસાને અમે કદી નહીં ભૂલીએ. અમે હંમેશા તેમની સામે અડગ રીતે ઊભા રહીશું. તેમનું આ નિવેદન પણ એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ અગાઉ ઇસ્લામિક રિપબ્લિક ઈરાનના બેલેસ્ટિક મિસાઇલ કાર્યક્રમને ટાંકીને અમેરિકા દ્વારા ઇરાન પર નવા પરમાણુ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. અમેરિકાના રાજ્ય તથા ટ્રેઝરી વિભાગે મંગળવારે જણાવ્યું કે તે ૧૮ જેટલા સ્વતંત્ર, સમૂહ અને ઇરાની નેટવર્કને ટાર્ગેટ કરી રહ્યો છે. નવા પ્રતિબંધો મુજબ આ લોકોમાંથી કોઈની પણ કોઈ પ્રકારની મિલકત કે ખાતા દેખાશે તો તેને ફ્રિઝ (જપ્ત) કરી લેવામાં આવશે તેમજ ઇરાનીઓ સાથે અમેરિકી નાગરિકોને વેપાર ન કરવા કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે તેના વળતા જવાબરુપે ઇરાન દ્વારા પણ દેશમાં અમેરિકી નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમના બેન્ક ખાતા વેપાર બિઝનેસ તેમજ મિલકતો જપ્ત કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. રૂહાનીએ બુધવારે વોશિંગ્ટન પર બેઇમાની કરવાનો આરોપ મૂક્યો હતો. રૂહાનીએ અમેરિકા સામે આકરા ઘા કરતા કહ્યું કે એકબાજુ અમેરિકા કોંગ્રેસને એક સત્તાવાર રિપોર્ટ મોકલે છે અને તેમાં કહે છે કે કોંગ્રેસ દ્વારા વેરિફાઇ કરાયું છે કે અમેરિકા પરમાણુ કરાર અંગે યોગ્ય રીતે પાલન કરે છે, અનુસરે છે અને બીજી બાજુ અમેરિકા અન્ય દલીલો આપી નવા પરમાણુ પ્રતિબંધો મૂકી દે છે. તેની પાછળનું લોજિક સમજાતું જ નથી. દેશમાં વધતી જતી અમેરિકીઓની પ્રવૃત્તિઓને જવાબ આપવા ઇરાની સાંસદે એક બિલ પસાર કર્યું હતું જેમાં દેશના મિસાઇલ કાર્યક્રમ અને રેવોલ્યુશનરી ગાર્ડ માટે ફંડ વધારી આપવાની જોગવાઇ કરવામાં આવી હતી. મોટાભાગના સાંસદોએ એ ઉત્સાહપૂર્વક વોટિંગ પણ કર્યું હતું અને બિલ પ્રમાણે ર૬૦ મિલિયન ડોલરના ફંડને મંજૂરી આપવામાં આવી હતી. આ નાણાંનો ઉપયોગ મિસાઇલ કાર્યક્રમો તથા રેવોલ્યુશનરી ગાર્ડ માટે કરવામાં આવશે. રૂહાનીએ આરોપ મૂક્યો કે જ્યારથી ટ્રમ્પ સરકાર આવી છે ત્યારથી અમેરિકાએ કુબા, ઉત્તર કોરિયા અને ક્લાઇમેટ ચેન્જ જેવા મહત્વના મુદ્દાઓને આપેલા ટેકાને પાછો ખેંચી લીધો છે. તેમણે કહ્યું કે અમેરિકા હવે ઇરાન, એશિયા અને યુરોપ વચ્ચે વધતી નિકટતા જોઇને ચિંતિત છે. અમેરિકા ઇરાનને તેના કમિટમેન્ટથી પીછેહઠ કરવા મજબૂર કરી રહ્યો છે. હસન રૂહાનીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમે ખુશ છીએ કે પી-ફાઇવ પ્લસ વન દેશો રક્ષા માટે મજબૂત રીતે અમારી પડખે ઊભા છે.