પારૂલ યુનિવર્સિટીને બમણી ફી વસૂલવા સામે હાઈકોર્ટની મનાઈ

અમદાવાદ,તા. ૩૦
રાજયમાં એમબીબીએસ અને ડેન્ટલમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે ત્યારે ગઇકાલે છેલ્લો રાઉન્ડ પૂરો થયા બાદ રૂ.૬ લાખના પેકેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પારૂલ યુનિવર્સિટી દ્વારા રૂ.૧૦ લાખ જમા કરાવવા માટે સંદેશો અપાતા વિવાદ સર્જાયો હતો. પારૂલ યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં કરેલી રિટમાં સીંગલ જજે તેમને હાલ પૂરતી તેમની નિયત કરેલી ફી ઉઘરાવવા મંજૂરી આપી હતી અને બાદમાં ફી નિર્ધારણ સમિતિ ફી નક્કી કરે તે મુજબ વિદ્યાર્થીઓને ડિફરન્સ પરત કરવા જણાવ્યું હતું. જો કે, આ હુકમથી નારાજ વિદ્યાર્થીઓ અને સરકારપક્ષ દ્વારા હાઇકોર્ટની ખંડપીઠ સમક્ષ અપીલ કરાતાં હાઇકોર્ટે પારૂલ યુનિવર્સિટીને વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલવાની છૂટ સામે સ્ટે ફરમાવી દીધો છે. ખંડપીઠે વિદ્યાર્થીઓ પાસેથી રૂ.૬ લાખની નિયત ફી જ ઉઘરાવવા નિર્દેશ કરી સીંગલ જજના હુકમને સ્ટે કરી દીધો હતો. ખંડપીઠે છ સપ્તાહમાં પારૂલ યુનિવર્સિટીની દરખાસ્ત પરત્વે ફી નિર્ધારણ કરવા પણ નિર્દેશ કર્યો હતો. આ કેસની વિગત એવી છે કે, પારૂલ યુનિવર્સિટીએ અગાઉ હાઇકોર્ટમાં રિટ કરી એવી રજૂઆત કરી હતી કે, યુનિવર્સિટી તરફથી વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરવા બાબતે ફી નિર્ધારણ સમિતિ સમક્ષ અરજી કરેલી છે. તે અરજી અને દરખાસ્ત હાલ પડતર છે પરંતુ ત્યાં સુધી વિદ્યાર્થીઓ પાસેથી સરકારી ક્વોટામાં ૧૦.૩૦ લાખ અને મેનેજમેન્ટ કવોટાના વિદ્યાર્થીઓ પાસેથી રૂ.૨૨ લાખ વસૂલવાની મંજૂરી આપવા દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે યુનિવર્સિટીની આ માંગણી ગ્રાહ્ય રાખી હાલ પૂરતી તેમણે નક્કી કરેલી ફી ઉઘરાવવા મંજૂરી આપી હતી અને બાદમાં ફી નિર્ધારણ સમિતિ નક્કી કરે તે મુજબ, ડિફરન્સની રકમ વિદ્યાર્થીઓને સરભર કરી આપવા તાકીદ કરી હતી. આ હુકમથી નારાજ વિદ્યાર્થીઓ અને સરકારપક્ષ તરફથી ખંડપીઠ સમક્ષ અપીલ કરાઇ હતી અને જણાવાયું હતું કે, હજુ ફી નિર્ધારણ સમિતિ તરફથી ફી મુદ્દે કોઇ આખરી નિર્ણય આપવામાં આવ્યો નથી ત્યારે સંસ્થા વિદ્યાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલી શકે જ નહી. યુનિવર્સિટીને આ પ્રકારે મનસ્વી ફી ઉઘરાવવાની સત્તા જ નથી. સીંગલ જજનો હુકમ અયોગ્ય અને ગેરકાયદે હોઇ હાઇકોર્ટે તેને રદબાતલ ઠરાવવો જોઇએ. રજૂઆત બાદ હાઇકોર્ટની ખંડપીઠે સીંગલ જજના હુકમને સ્ટે કરી યુનિવર્સિટીને વિદ્યાર્થીઓ પાસેથી નિયત રૂ.૬ લાખની ફી વસૂલવા જ તાકીદ કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks