પાટણ જિલ્લાની છ તા.પં.માં કોંગ્રેસના ત્રણમાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાયા

પાટણ, તા. ર૧
પાટણ જિલ્લાની નવ તાલુકા પંચાયતોના પ્રમુખ-ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે દબદબો જાળવી રાખ્યો હતો. તોડ જોડના રાજકરણમાં ભાજપ પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના સભ્યોમાં બળવો કરી જિલ્લા પંચાયત હસ્તગત કરવામાં સફળ રહ્યું પરંતુ તાલુકા પંચાયતોમાં ભંગાણ પડાવવામાં નિષ્ફળ રહ્યું હતું. જેના કારણે પાટણ સરસ્વતી, સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર અને સાંતલપુર મળી કુલ છ તાલુકા પંચાયતોમાં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે હારીજ-સમી અને શંખેશ્વર એમ ત્રણ તાલુકા પંચાયતોમાં ભાજપના પ્રમુખ-ઉપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા.
સિદ્ધપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના મેન્ડેડ ઉપર ચૂંટાયેલા સાત સભ્યોએ બળવાખોરી કરી હતી છતાં સત્તા ટકાવી રાખવામાં કોંગ્રેસ સફળ થઈ હતી અને પ્રમુખ શાન્તાબેન ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે જેહુસંગ ઠાકોર વિજયી બન્યા હતા. સાંતલપુર તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ બંનેના ૯-૯ સભ્યો ચૂંટાયેલા છે ત્યારે બંને પક્ષોને એક સભ્યની જરૂર હોઈ સત્તા કોણ હસ્તગત કરશે તેને લઈ અનેક અટકળો વહેતી થઈ હતી પરંતુ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મહેબુબખાન મલેક અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઝાહીદખાન મલેકની મહેનતને કારણે કોંગ્રેસના પ્રમુખ મંગુબેન ઠાકોર અને ઉપ્રમુખ અણદુભા જાડેજા ર મતે વિજયી બનતા કોંગ્રેસ સત્તા જાળવી રાખવામાં સફળ રહી હતી.
હારીજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના એક સભ્યએ બળવો કરતા પ્રમુખ ગલીબેન ઠાકોર અને ઉપપ્રમુખ દઝાભાઈ ચૌધરી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યારે સમી તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ લીલાબેન ઠાકોર અને ઉપપ્રમુખ મુકેશભાઈ દવે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. શંખેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપના સ્થવી ભીખીબેન રાજુભાઈ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ પદે ઠાકોર રતુજી શીવાજી બિનહરીફ જાહેર થયા હતા.
રાધનપુર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ઉમેદવાર લવજીભાઈ ખેતાભાઈ ઠાકોર પ્રમુખપદે અને હરખાભાઈ ભગવાનભાઈ ભરવાડ ઉપપ્રમુખપદે ચૂંટાઈ આવ્યા હતા. સરસ્વતી તાલુકા પંચાયતમાં અનામત સીટ જાહેર થતાં કોંગ્રેસના સોલંકી જાગૃતિબેન પ્રમુખપદે અને રાજપૂત મેતુબેન ઉપપ્રમુખપદે બિનહરીફ ચૂંટાયા હતા. આજ રીતે પાટણ તાલુકા પંચાયતમાં પણ કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર દર્શિલભાઈ પટેલ અને ઉપપ્રમુખપદે ભાવનાબેન ઠાકોર બિનહરીફ જાહેર થયા હતા. ચાણસ્મા તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સંપૂર્ણ બહુમતી હોવા છતાં પ્રમુખપદ માટે સભ્યો બે જૂથમાં વહેંચાઈ જતા મતદાન કરવાની ફરજ પડી હતી. છતાં સત્તા જાળવી રાખવામાં કોંગ્રેસ સફળ રહી હતી અને પ્રમુખ-ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks