પાટણની મુસ્લિમ મહિલાનું અપહરણ કર્યા બાદ કારમાં જ દુષ્કર્મ આચરાયું

પાટણ,તા.ર
પાટણ શહેરના કાલીબજાર વિસ્તારમાં રહેતી મુસ્લિમ સમાજની એક મહિલાનું કારમાં અપહરણ કરી વકીલ અને એક અજાણ્યા શખ્સે કારમાં જ દુષ્કર્મ આચર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવતા ચકચાર સાથે ખળભળાટ મચ્યો છે. ભોગ બનનાર પીડિત મહિલાએ વકીલ અને તેના સાથી મિત્ર વિરૂધ્ધ અપહરણ અને બળાત્કારની પાટણ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હરકતમાં આવેલી પોલીસે મહિલાને મેડિકલ રિપોર્ટ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી આરોપીઓ સામે તપાસ હાથ ધરી છે. વકીલાતના વ્યવસાયને શર્મશાર કરતા આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પાટણના કાલીબજાર વિસ્તારમાં રહેતી મુસ્લિમ મહિલા ગઈકાલે સાંજના સુમારે ધાર્મિક સ્થળે જઈ રહી હતી. ત્યારે મોતીશા દરવાજા પાસે લકઝુરીયર્સ કાર લઈને વકીલ પંકજ વેલાણી અને એક અજાણ્યો શખ્સ આવ્યા હતા. મહિલાની બાજુમાં કાર ઉભી રાખી તેણીને તેમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા અને કારમાં જ વકીલ, પંકજ વેલાણી અને તેના સાથી મિત્રે મહિલા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. બનાવથી હતપ્રત બનેલી મહિલાએ ઘરે આવી પરિવારજનોને જાણ કરતા મોડી રાત્રે ઉકત હકીકત સાથે પાટણ શહેરએ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વકીલ પંકજ વેલાણી તથા તેના સાથી મિત્ર એવા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ આઈપીસી કલમ ૩૭૬, ૩૬૬, પ૦૬ મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. સુમરાએ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બળાત્કારના આ બનાવ પર પાટણ શહેર એ ડિવિઝન પોલીસ ઢાંકપિછોડો કરવા માગતી હોય તેમ પત્રકારોને ફરિયાદની પુરતી વિગતો આપવામાં ઠાગાઠૈયા કર્યા હતા જેને લઈ કેટલાક પત્રકારોને ફરિયાદની વિગતો મેળવવા ઘર્ષણમાં ઉતરવું પડયું હતું. જવાબદાર પોલીસ અધિકારીઓની આ હરકતને લઈ લોકોમાં અનેક શંકાઓ વહેતી થઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts