મોદીએ વીડિયો મારફતે સંદેશ આપતાં કહ્યું, તમને ‘હોટલ-મોટલવાળા પટેલ’ તરીકે ઓળખવામાં આવે છે

(એજન્સી) તા.૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમેરિકામાં વસતા પટેલ સમુદાયને અપીલ કરી છે કે, તેઓ ભારતમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવાની કામગીરીમાં પોતાનું યોગદાન આપે. અમેરિકામાં થઇ રહેલા સૌરાષ્ટ્ર-પટેલ સમાજના આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સમારંભના વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધિત કર્યા. મોદીએ મજાકમાં કહ્યું કે, તમને ‘હોટલ-મોટલવાળા પટેલ’ તરીકે ઓળખવામાં આવે છે. શું તમારામાંથી એક વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ લોકોને ભારત આવવા પ્રેરિત કરી શકે છે ? જ્યારે પણ તમારી હોટલ અથવા મોટલમાં મહેમાન આવે અને તેઓ ટીવી ઓન કરે તો શું તમે ટીવી પર ભારતીય પ્રવાસન વિશે પાંચ મિનિટની ક્લિપ ચલાવી શકો છો ? આનાથી તમારા મહેમાનોને ખ્યાલ આવશે કે ભારત હકીકતમાં શું છે ? વડાપ્રધાને ભારતનું ગર્વ વધારવા માટે પ્રવાસી ભારતીયોના વખાણ કર્યા હતા. તેઓએ કહ્યું કે, વિશ્વમાં ભારતના પાસપોર્ટની તાકાત અને તેના પ્રત્યે સન્માનમાં વધારો થયો છે. મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓએ ગુજરાતના અપ્રવાસીઓને પણ આ પ્રકારની અપીલ કરી હતી. તેઓએ તે સમયે પણ કહ્યું હતું કે, વિદેશમાં વસેલા ગુજરાત ઓછામાં ઓછા ૧૫ બિન ગુજરાતી ભારતીયો અથવા અમેરિકનને વાઇબ્રન્ટ ગુજરાતની ટૂર લેવા માટે પ્રેરિત કરે. આનાથી રાજ્યમાં પ્રવાસનને પ્રોત્સાહન મળશે. ૭૦ ટકા મોટલ ગુજરાતી ચલાવે છે. ૬૦ના દાયકામાં અમેરિકામાં પટેલ-મોટલના આઇડિયાની શરૂઆત થઇ, ત્યારે ગુજરાતના પટેલોએ અહીંની મોટલ ઇન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. ૨૦૧૪માં અમેરિકાની મેગેઝિન ‘સ્મિથસોનિયન’એ કહ્યું હતું કે, અમેરિકામાં ઓછામાં ઓછા અડધી મોટલ ભારતીય પ્રવાસીઓની છે. તેમાંથી ૭૦ ટકા મોટલ પ્રવાસી ગુજરાતી ચલાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks