ભૂજના માંજોઠી દંપતીની ફાઈલ તસવીર.
(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા.૧૯
હિન્દી ફિલ્મ “દૃશ્યમ” જોઈ છે ? અજય દેવગણના રોલ સાથેની સસ્પેન્સથી ભરપૂર દૃશ્યમ ફિલ્મની જાણે કે નકલ કરવામાં આવી હોય તેવા ચડાવ-ઉતાર સાથેનો ભૂજમાં એક હત્યાકેસ બહાર આવતા ચકચાર મચી ગઈ છે. નવ મહિના અગાઉ એક યુવતીની હત્યા કરી ખુદ તેના પતિએ યુવતીની લાશ એક મકાનના પાયામાં દાટી દઈ બાંધકામ કરી નાખ્યા પછી હત્યાનો ભેદ ઉકેલાતા મૃતક યુવતીના અસ્થિઓ પોલીસે બહાર કાઢ્યા હતા. સમગ્ર કિસ્સાની વિગત એવી છે કે, ભૂજના ઈસ્માઈલ ઉર્ફે માલો હુસેન માંજોઠી (ઉ.વ.૩૪) નામના યુવાને તા.૧૦/૦૬/ર૦૧૮ના રોજ ભૂજ શહેર એ-ડિવિઝન પોલીસને જાણ કરી અરજી આપી કે, તેની પત્ની રૂકસાના (ઉ.વ.૩૪) તા.૯/૬/૧૮ના સાંજથી ગુમ થઈ છે. પોલીસે રૂકસાનાને શોધવા તપાસ હાથ ધરી તે દરમિયાન તા.૧૧/૬/૧૮ના રૂકસાનાના માતા શકીનાબેન અને ભાઈ સલીમે પણ પોલીસને એવી અરજી કરી કે, રૂકસાના ગુમ નથી થઈ તેના પતિ ઈસ્માઈલે તેની હત્યા કરી હોય અથવા તેને ક્યાંક ગોંધી રાખી હશે. આ બંને પક્ષની ફરિયાદને નજરમાં રાખી પોલીસે તપાસ ચાલુ રાખી હતી. જો કે, રૂકસાના કોઈ અન્ય સાથે નાસી ગઈ છે, તેવા આધાર પણ રૂકસાનાના પતિ ઈસ્માઈલે આપ્યા હતા. આમ છતાં નવ મહિનાની તપાસના અંતે પોલીસે તા.૧૮/૩ની રાત્રે ભૂજના સિંમધર સિટીમાં એક મકાનની પ્લીંથનું કોંક્રિટ બાંધકામ તોડી તેમાંથી રૂકસાનાના અસ્થિ બહાર કાઢી સમગ્ર મામલો ખુલ્લો કર્યો હતો. ત્યાર પછી બહાર આવેલ વિગતો મુજબ ઈસ્માઈલ માજોઠીને તેની પત્ની રૂકસાના સાથે અવાર-નવાર ઝઘડા થતાં હતા અને ઈસ્માઈલે ર૦૧૮માં મુંબઈથી એક યુવતી સાથે બીજા લગ્ન કરી લેતા રૂકસાના સાથે ઝઘડા વધ્યા હતા, જેથી રૂકસાનાનો કાયમી નિકાલ કરવાના વિચાર સાથે પતિ ઈસ્માઈલે તેના માસીના દીકરા જાવેદને કામ સોંપ્યું હતું, જે પ્લાન મુજબ જાવેદ જુસબ માંજોઠીએ તા.૯/૬/૧૮ના રોજ સાંજે રૂકસાનાને ગાડીમાં લઈ ભૂજની કાસમશા પીરની દરગાહે ગયેલ અને ત્યાં છરીના ઘા મારી જાવેદે રૂકસાનાની ઠંડા કલેજે હત્યા કરી બલેનો ગાડીમાં લાશ અનીશા પાર્કમાં એક ખાલી પ્લોટમાં લાવેલ, જ્યાં પૂર્વ નિયોજીત રીતે ઈસ્માઈલ અને તેના માણસોએ ખાડો ખોદી રાખેલ જેમાં દાટી દીધેલ અને રૂકસાનાનો મોબાઈલ સાજીદ ખલીફા નામના યુવાનને આપી ઈસ્માઈલે સાજીદને અમદાવાદ રવાના કરેલ, પછી સાજીદ નામના આ યુવાને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતેથી રૂકસાનાના મોબાઈલ ઉપરથી ભૂજ પતિના ઘરે અને પિયરમાં જણાવેલ કે, તમારી રૂકસાના મારી સાથે છે અને અમે નિકાહ કરવા અજમેર જઈએ છીએ. હવે પરત આવીશું નહીં. જેથી રૂકસાનાની શોધખોળ આડેપાટે ચડી ગઈ હતી. આમ છતાં રૂકસાનાના પિયરપક્ષની લાંબી રજૂઆતથી પોલીસ તપાસ ચાલુ હતી અને અનેક લોકોની પૂછપરછ બાદ ઈસ્માઈલની મદદગારી કરનાર એક શખ્સની તપાસમાં આ હત્યા પ્રકરણ બહાર આવ્યું હતું. જો કે, હત્યા વખતે રૂકસાનાની લાશ જે ખાડામાં દાટવામાં આવી હતી, તે જગ્યાએથી પણ લાશને બીજી વખત બહાર કાઢી ઈસ્માઈલ સીમંધર સિટીમાં એક વ્યક્તિના નવા બની રહેલા બંગલાની પ્લીંથમાં પૂર ભરવાના ખાડામાં દાટી તેની ઉપર કોંક્રિટ કરી નાખી હતી. શોધખોળના ચડાવ-ઉતાર દરમિયાન ઈસ્માઈલે રૂકસાના અન્ય કોઈ વ્યક્તિ સાથે જીવીત હોવાનો પુરાવો ઊભો કરવા તેના માણસ સાજીદ અને તેની પત્ની સાયમાને અજમેર મોકલ્યા હતા અને અજમેરની એક હોટલમાં મૃતક રૂકસાનાના આઈકાર્ડ ઉપર રૂમબૂક કરાવી ત્યાંથી પણ ભૂજ ખાતે ફોન કરી રૂકસાના જીવીત હોવાનો પુરાવો ઊભો કર્યો હતો. જો કે, અંતે ભાંડો ફૂટતા ભૂજ પોલીસે આ હત્યા કેસ ઉકેલી નાખી કાવત્રુ રચનાર ઈસ્માઈલ માંજોઠી, હત્યા કરનાર જાવેદ, મદદ કરનાર સાજીદ ખલીફા, તેની પત્ની સાયમા ઉપરાંત અન્ય મદદગાર શબ્બીર જુસબ માંજોઠી, અલ્તાફ માંજોઠીની ધરપકડ કરી લીધી છે.
આરોપી ઈસ્માઈલ વ્યવસાયે બાંધકામ કોન્ટ્રાક્ટર હોવાથી રૂકસાનાની લાશને બીજી વખત ખાડામાંથી બહાર કાઢી તેમનું જ્યાં બાંધકામ ચાલતું હતું, તે મકાન માલિકની જાણ બહાર તેના બંગલાના પ્લીંથમાં પૂર ભરતી વખતે લાશને દાટી દીધી હતી.
(૧) આરોપી ઈસ્માઈલે રૂકસાનાની હત્યાનું કાવતરૂં રચી પોલીસને પણ ઊંધે પાટે દોરી હતી.
(૩) શબ્બીર જુસબ માંજોઠી અને અલ્તાફ અબ્દુલ માંજોઠીએ રૂકસાનાની લાશના ગાડીમાં લોહીના ડાઘા વગેરે સીટ કવર સાથે સળગાવી દઈ પુરાવાનો નાશ કર્યો.
(૪) સાજીદ ખલીફા અને તેની પત્ની સાયમાએ રૂકસાના જીવીત હોવાના ખોટા પુરાવા ઊભા કર્યા, તેવા આરોપ સાથે લોકલ ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી ધરપકડ કરી છે.
દરમિયાન, મૃતક રૂકસાનાના ભાઈ સલીમે લાગણીવશ થઈ જણાવ્યું કે, નવ મહિના પછી અમારી બહેન ના મળી, પરંતુ તેના અસ્થિ મળ્યા છે, જે લઈને અમો જનાઝાની વિધિ કરીશું.