અમદાવાદ, તા.૭
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનથી રાજ્યની ભાજપ સરકાર ભેખડે ભરાઈ છે. ત્યારે પાટીદાર આંદોલનનો લાભ કોંગ્રેસ ના ઉઠાવી જાય તે માટે પાટીદાર અનામત મુદ્દે તા.૩૦ સુધી કોંગ્રેસને પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાની પાસના કન્વિનર હાર્દિક પટેલે ચીમકી ઉચ્ચારી છે. પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં જ વડાપ્રધાને રાજકોટમાં રોડ શો યોજ્યો હતો ત્યારે હવે હાર્દિક પણ વડાપ્રધાનને પગલે ચાલીને રાજનીતિમાં પા-પા પગલા ભરી રહ્યો હોય તેમ હવે તા.૮ જુલાઈએ ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં રોડ શો કરવાનું હાર્દિકે નક્કી કર્યું છે ત્યારે આ રોડ શો પહેલા હાર્દિક પટેલે કોંગ્રેસને વલણ સ્પષ્ટ કરવાની ચીમકી આપતા કહ્યું હતું કે ગુજરાતમાં આવતા પાટીદાર અનામત આંદોલન મુદ્દે કોંગ્રેસ પોતાનું વલણ સ્પષ્ટ કરે. કોંગ્રેસ એમ ના સમજે કે પાટીદારની નારાજગીનો લાભ મળશે. આવનારી તા.૩૦ જુલાઈ સુધીમાં કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ નક્કી નહીં કરે તો અમે સમાજ હિતમાં સ્ટેન્ડ નક્કી કરીશું એમ હાર્દિકે જણાવ્યું હતું. તદ્ઉપરાંત ખેડૂત રેલી દરમિયાન ખોટા કેસમાં હિંમતનગરના પાસના કન્વિનર રવિ પટેલની ધરપકડ દરમિયાન મુલાકાત લીધી હતી. ત્યારે હવે તા.૮મી જુલાઈના રોજ ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩પ કિમીનો લાંબો રોડ શો હાર્દિક પટેલ યોજશે. જેમાં નવાગામ, લીલિયા, દેવળા, સુલતાનપુર, રાણસિકી થઈ દેરડી પહોંચશે. બાદમાં દેરડી ખાતે સાંજે વિવેકાનંદ સ્કૂલની પાસે હાર્દિક પટેલ સભાને સંબોધશે.
હિંમતનગરમાં હાર્દિકનો હુંકાર સરકાર સામે ઝૂકીશું નહીં
(સંવાદદાતા દ્વારા) હિંમતનગર, તા.૭
સાબરકાંઠા પાસના કન્વિનર રવિ પટેલ તથા ખેડૂત અધિકાર રેલીમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર ચારથી વધુ લોકોની વિરૂદ્ધ હિંમતનગર બી-ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધ્યા બાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ રવિ પટેલને જામીન માટે હિંમતનગર કોર્ટમાં રજૂ કરાયો હતો ત્યારે ન્યાયાધિશે જામીન નામંજૂર કરી ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા. તો બીજી તરફ નિયમને આધીન રહીને રવિ પટેલને હિંમતનગર કોર્ટમાં રજૂ કરવા લઈ જવાઈ રહ્યો હતો ત્યારે હાર્દિક અને તેની ટીમ કોર્ટ પરિસરમાં પહોંચી ગઈ હતી. જ્યાં ગણતરીની મિનિટો સુધી હાર્દિકે રવિ પટેલ સાથે વાત કરી હતી. ત્યારબાદ પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિકે એવો હુંકાર કર્યો હતો કે સરકાર અમારા આંદોલનને કચડી નાખવા માટે ગમે તેટલા પ્રયાસો કરશે પણ અમે ઝુકીશું નહીં.