પાટીદારોના મુદ્દે સરકાર સાથે ચર્ચા કરવા અમને આમંત્રણ મળ્યું જ નથી : પાસ-એસપીજી

અમદાવાદ, તા.ર૧
ગુજરાત સરકારે પાટીદારોના પડતર પ્રશ્નો મુદ્દે પાટીદારો સાથે ચર્ચા કરવા તા.ર૬મી સપ્ટેમ્બરે બેઠક કરવા આમંત્રણ પાઠવ્યું છે પરંતુ આ મામલે પાસના નેતા હાર્દિક પટેલ અને એસપીજીના પ્રમુખ લાલજી પટેલને આ ચર્ચા માટે આમંત્રણ મળ્યું ન હોવાનું બંને આગેવાનોએ જણાવ્યું છે ત્યારે સરકારે આંદોલનકારીઓનો ઘડો લાડવો કરવા પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે બારોબાર ચર્ચા કરીને ચૂંટણીમાં પાટીદારોના મતો અંકે કરવાની નીતિ અપનાવી છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર અનામત આંદોલનની અસર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર ના પડે તે માટે ગુજરાતની ભાજપ સરકારે પાટીદારોને ચર્ચા કરવા માટે બોલાવ્યા છે. આ અંગે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સરકારે અમને ચર્ચા માટે આમંત્રણ આપ્યું જ નથી એટલે બેઠકમાં જવાનો પ્રશ્ન જ થતો નથી. જ્યારે એસપીજીના પ્રમુખ લાલજી પટેલે જણાવ્યું હતું કે ભાજપ સરકાર તરફથી ચર્ચા કરવા માટે અમને કોઈ આમંત્રણ મળ્યું જ નથી. જો કે રાજ્યસભાની ચૂંટણી બાબતે પણ પાટીદારોને ચર્ચા કરવા માટે સરકાર તરફથી બોલાવવાની વાતો હતી. પરંતુ બોલાવ્યા ન હતા ત્યારબાદ હવે વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર આંદોલનકારીઓને સાઈડલાઈન કરી સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી ભાજપ સરકાર પાટીદારોના મત અંકે કરવા માંગે છે. જો કે પાટીદારોને અનામત સહિતની જે માગણીઓ છે તે મુદ્દાઓનો ઉકેલ લાવવા માટે સરકાર આમંત્રણ આપશે તો અમે ચોક્કસ સરકાર સાથે ચર્ચા કરવા જઈશું. પાટીદારોની માગણીઓના ઉકેલ લાવવા સરકાર પાસે બેઠક કરવા કોઈપણ જાય પરંતુ મુખ્ય હેતુ પાટીદારોની માગણીઓ સંતોષાવી જોઈએ. જો કે સરકાર અને વિપક્ષ દ્વારા પાટીદારો મુદ્દે કોઈ સ્પષ્ટતા કરશે ત્યારબાદ જ અમે ચૂંટણીમાં પાટીદારોએ કોને મત આપવો તેની સ્પષ્ટતા કરીશું. એમ લાલજી પટેલે જણાવ્યું હતું. પાસના પ્રવક્તા અતુલ પટેલે જણાવ્યું હતું કે સરકાર સાથે ચર્ચા કરવા માટે પાસને કોઈ આમંત્રણ મળ્યું જ નથી. પાસ દ્વારા પાટીદારોને બંધારણીય રીતે અનામત સહિતની મુખ્ય માગણીઓ મુદ્દે ચોખવટ કરવાને બદલે સરકારે ચર્ચા કરવા માટે જ આમંત્રણ આપ્યું છે. એટલે આવી ચર્ચાઓ તો અગાઉ ઘણીવાર થઈ છે. જેમાં સરકારે અત્યારસુધી લોલીપોપ જ આપી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks