પાટીદારોને અનામત મુદ્દે કોંગ્રેસ સ્પષ્ટતા કરે : રેશમા પટેલનો રાહુલ ગાંધીને પત્ર

અમદાવાદ, તા.૬
પાટીદાર અનામત આંદોલનના મહિલા આંદોલનકારી રેશમા પટેલે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને પાટીદારોને અનામત મુદ્દે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે. જો કોંગ્રેસ પક્ષ પાટીદારોને અનામત આપવા મુદ્દે સ્પષ્ટતા નહીં કરે તો પાટીદાર સમાજ તેમને સમર્થન નહીં આપે તેવી ચીમકી રેશમા પટેલે આપી છે. આ અંગે રેશમા પટેલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પાટીદાર સમાજ અનામત માટે આંદોલન ચલાવી રહ્યો છે. જેમાં પાટીદાર યુવાનોએ શહીદી પણ વ્હોરી છે. આ આંદોલન સમાજ માટેનું છે. કોઈ વ્યક્તિ વિશેષ આંદોલન નથી. અમારા આંદોલનનો ઉદ્દેશ કોઈ પક્ષને સત્તામાંથી હટાવવા કે કોઈ પક્ષને સત્તામાં લાવવા માટેનો નથી. અમારો ઉદ્દેશ માત્ર પાટીદાર સમાજને અનામત અપાવવાનો છે. આજે દરેક રાજકીય પક્ષ પાટીદાર સમાજને લલચાવવાની કોશિશ કરે છે અને આંદોલનમાં પોતાના રાજકીય લાભ માટે જોડાયેલા કેટલાક કથિત આંદોલનકારીઓ કોંગ્રેસ પાસેથી વિધાનસભાની ટિકિટ માંગી રહ્યા છે. કોંગ્રેસ છેલ્લા બે દશકાથી ગુજરાતની સત્તામાંથી વનવાસ કરી રહી છે. કોંગ્રેસ અને તેમના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાટીદાર સમાજને ફરીથી તેમની સાથે જોડવાની કવાયત કરી રહ્યા છે. પરંતુ આજ સુધી કોંગ્રેસે પાટીદારોને અનામત આપવા મુદ્દે સ્પષ્ટતા કરી નથી. આ સવાલનો જવાબ માગવા માટે મે રાહુલ ગાંધીને પત્ર લખીને ઈ-મેલ અને ફેક્સ દ્વારા મોકલ્યો છે પરંતુ આ પત્રનો રાહુલ ગાંધી તરફથી કોઈ જવાબ મળ્યો નથી. વધુમાં રેશમા પટેલે કહ્યું હતું કે હું કોંગ્રેસ પક્ષને સાફ શબ્દોમાં કહેવા માંગું છું કે પાટીદાર સમાજને તમારી પાર્ટી તરફથી અનામત આપવા મુદ્દે સ્પષ્ટતા વિના કોંગ્રેસને પાટીદારોનું સમર્થન મળશે નહીં. તેમજ કથિત આંદોલનકારીઓમાંથી પાંચ ધારાસભ્યો પેદા કરવા માટે અમે આંદોલન કરતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks