અમદાવાદ, તા.૭
શહેરના દરિયાપુર વિસ્તારના મર્ડર કેસના એક કેસમાં સાબરમતી જેલમાં રહેલા કાચા કામના કેદી પતિને કોર્ટમાંથી વચગાળાના જામીન અપાવવા તેની પત્નીએ પોતાના ગર્ભાશયના ઓપરેશનની વાત ઉપજાવી કાઢી તેના બોગસ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરી ખોટી રીતે પોતાના પતિના જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ વેરીફિકેશનમાં મહિલાએ રજૂ કરેલા દસ્તાવેજો બોગસ અને તેને ગર્ભાશયનું કોઇ કેન્સર નહી હોવાની હકીકત કોર્ટ સમક્ષ આવતાં એડિશનલ સેશન્સ જજ એમ.કે.ચૌહાણે ગંભીર નારાજગી વ્યકત કરી હતી. કોર્ટે અરજદાર મહિલાની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી તેની તીખી આલોચના કરી હતી. કોર્ટના ગરમમિજાજને પારખી આખરે મહિલાએ પોતાના પતિના વચગાળાની જામીનઅરજી પાછી ખેંચી લીધી હતી. શહેરના દરિયાપુર વિસ્તારમાં મેણવાડ મ્યુનિસિપલ સ્કૂલ પાસે રહેતા સેજલ ભદ્રેશ રાઠોડે પોતાના પતિ ભદ્રેશ ઉર્ફે ભુરજી મફાજી ઠાકોરના ૩૦ દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી. જેમાં અરજદારને ગર્ભાશયનું કેન્સર હોઇ તેના ઓપરેશનની તારીખ તા.૧૮-૭-૦૭ નક્કી થઇ હોઇ પૈસાની અને અન્ય વ્યવસ્થા માટે પતિની હાજરીની તાતી જરૂર હોઇ તેમને જામીન આપવા કોર્ટને વિનંતી કરી હતી. જો કે, આ જામીનઅરજીની સુનાવણી દરમ્યાન મુખ્ય સરકારી વકીલે અરજદાર મહિલાએ પોતાની બિમારી અંગેના વીએસ હોસ્પિટલના રજૂ કરેલા તબીબી દસ્તાવેજોની દરિયાપુર પોલીસ મારફતે ખરાઇ કરાવડાવી હતી અને તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, આ મહિલાને ગર્ભાશયના કેન્સરની કોઇ બિમારી જ નથી. જેથી મુખ્ય સરકારી વકીલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, પ્રસ્તુત કેસમાં અરજદાર મહિલાએ મર્ડર કેસમાં જેલમાં રહેલા પોતાના પતિને છોડાવવા બિમારીના બોગસ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. પોલીસે કરેલા વેરીફિકેશનમાં વી.એસ.હોસ્પિટલના તબીબનું પણ નિવેદન લેવાયું છે, તેમાં પણ સ્પષ્ટ થાય છે, આ મહિલાએ ડોકટરોને ગર્ભાશયના કેન્સરની કોઇ વાત કરી નથી કે, ડોકટરોએ પણ તેના ઓપરેશન માટે સલાહ સૂચન કે ચોપડીમાં કોઇ લેખિત નોંધ કરી આપી નથી. આ સંજોગોમાં સમગ્ર મામલામાં બોગસ દસ્તાવેજના આધારે જામીન મેળવવાની મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે, જે જોતાં કોર્ટે અરજદાર મહિલાની તેના પતિના વચગાળાના જામીનની માંગ કરતી અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.