અમદાવાદ,તા.૧૩
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સત્તાવાળા દ્વારા નાગરિકો રોડ પર આડેધડ પાર્કિંગ કરતાં અટકે તેવા આશયથી ઓનસ્ટ્રીટ પાર્કિંગનો અભિગમ અપનાવાયો છે. આ અભિગમ હેઠળ તાજેતરમાં શહેરનાં વ્યસ્ત ગણાતા સીજી રોડ પર લોકો માટે પ્રતિ કલાકના દરે પાર્કિંગની સુવિધા ઊભી કરાઇ છે. હવે આગામી દિવસોમાં સત્તાધીશો દ્વારા રપ મોડલ રોડ પરનાં ખાંચામાં નવા ઓનસ્ટ્રીટ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.
ગત તા.ર ઓગસ્ટથી મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના સીધા માર્ગદર્શન હેઠળ તંત્ર દ્વારા શહેરભરનાં રપ મોડલ રોડને દબાણમુક્ત કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. વર્ષ ર૦૧૧માં ફેઝ-૧ હેઠળ કુલ ૩૭.૧૦ કિ.મી.લંબાઇના ૭ મોડલ રોડ તેમજ વર્ષ ર૦૧રમાં ફેઝ-ર હેઠળ કુલ ૩૩.૯પ કિ.મી. લંબાઇના ૧૮ મોડલ રોડ બનાવાયા હતા.
આમ કુલ ૭૧.૦પ કિ.મી.ની લંબાઇ ધરાવતા રપ મોડલ રોડ તંત્ર દ્વારા તૈયાર કરાયા છે. મોડલ રોડના પ્રતિ એક કિ.મી. પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી રૂ.પ૦ લાખ ખર્ચાયા હતા. ઔડાની જુની લિમિટના મોડલ રોડના આધારે શહેરમાં મોડલ રોડ તૈયાર કરાયા હતા.
હવે મ્યુનિસિપલ સત્તાધીશોએ મોડલ રોડને લારી-ગલ્લા સહિતનાં દબાણોથી મુક્ત કરીને ત્યાં નાગરિકોની સગવડ માટે પે એન્ડ પાર્ક બનાવવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. તંત્રની ઓનસ્ટ્રીટ પોલિસી હેઠળ આ મોડલ રોડ પરનાં પે એન્ડ પાર્ક તૈયાર થશે.